Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

પંજાબ : પુત્રીની હત્યા કરીને ભાગી આવેલ પિતા ઝડપાયો

મેમ્કો પાસે ધોળાદહાડે રિવોલ્વરની અણીએ લૂંટ : પોલીસે ગણતરીની મિનિટોમાં સીસીટીવીના આધાર ઉપર બાઇકના નંબર ઉપરથી આરોપીને આખરે ઝડપી પાડ્યો

અમદાવાદ,તા. ૨૩ : શહેરના મેમ્કો વિજય મીલ ચાર રસ્તા પાસે આજે ભરબપોરે રિવોલ્વર બતાવી બાઈક લૂંટની ઘટના બની હતી. જેમાં ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને નરોડા-પાટિયા પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી દેશી પિસ્તોલ અને બે રાઉન્ડ કબ્જે કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી પંજાબના હોશિયારપુરમાં પુત્રીની હત્યા કરી ફરાર થયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ અંગેની વિગત એવી છે કે, મેમ્કો વિજય મીલ પાસે આજે બપોરે અજાણ્યા શખ્સે રિક્ષામાંથી ઉતરી પોતાની બેગ ત્યાં મુકી નાસી ગયો હતો. રસ્તામાં તેણે બાઈક પર જતા યુવકને રોકી તેને રિવોલ્વર બતાવીને બાઈક લૂંટી હતી અને ત્યાંથી નાસી ગયો હતો. પોલીસને જાણ થતા સમગ્ર શહેરમાં નાકાબંધી કરવામાં આવી હતી. નરોડા પોલીસે બાઈક નંબરના આધારે લૂંટારુંને નરોડા-પાટિયા પાસેથી પકડી લીધો હતો. ઝોન-૪ ડીસીપી નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, નરોડા પોલીસે નાકાબંધીમાં આરોપીને ઝડપી લીધો છે. આરોપીનું નામ મેજરસિંહ છે અને પોતે પંજાબના હોશિયારપુરનો રહેવાસી છે. આરોપીએ પોતાની પુત્રીની હત્યા કરી નાખી છે અને તેની પત્ની ઉપર પણ હુમલો કર્યો હતો. જેમાં તેની સ્થિતિ ગંભીર છે. પુત્રીએ તેના પિતા સામે છેડતી ફરિયાદ હોશિયારપુરમાં કરી હતી. જ્યારે પત્નીએ પણ બીજી સ્ત્રી સાથે આડા સંબંધ હોવાની ફરિયાદ કરી હતી. જેથી મેજરસિંહે બંનેની હત્યા કરવાનો પ્લાન કર્યો હતો. જેમાં પુત્રીનું મોત થયું છે. આ ઘટના બાદ તે પંજાબથી ભાગીને ગુજરાત આવી ગયો હતો. આરોપીની હાલ પોલીસ દ્વારા વધુ પુછપરછ શરૂ કરવામાં આવી છે. આરોપી બેગ મુકીને ફરાર થતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. શહેર કોટડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલમાં શહેરકોટડા પોલીસ ભોગ બનનાર યુવકને પોલીસ સ્ટેશન લઈ જઈ પુછપરછ હાથ ધરી છે. ત્યારે અજાણ્યા શખ્સની બેગ કબ્જે કરી છે. બેગમાંથી પોલીસને પૈસા, મોબાઈલ, કપડા અને બ્રાઉન સુગર પણ મળી આવ્યું છે. પોલીસને એક મોબાઈલ પણ મળી આવ્યો છે.

(8:24 pm IST)