Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

સાવકા પિતાએ ઠપકો આપતા પુત્રએ ધારિયાથી જીવલેણ હુમલો કર્યો: નામણની ઘટના: માતાને ગંભીર ઇજા

નામણ:ગામની ઈન્દિરા કોલોની પાછળ નહેર પાસે રહેતા જીભઈભાઈ ઉર્ફે રમેશભાઈ રૂપાભાઈ ડાભીએ ૨૫ વર્ષ પહેલાં કાન્તાબેન સાથે લગ્ન કર્યા હતા. ચાર સંતાનોની માતા કાન્તાબેનના પતિ કાન્તીભાઈ અંબાલાલ ડાભી અવસાન પામતાં તેમણે લગ્ન કર્યા હતા. અને ત્યારથી બધા સાથે જ રહેતા હતા. તેમનો સાવકો પુત્ર ગોપાલભાઈ ે કોઈ કામધંધો કરતો નહોતો અને છેલ્લા કેટલાક સમયથી પોતાની પત્ની સાથે ઝઘડા કરતો હતો. ગઈકાલે બપોરના સાડા ત્રણેક વાગ્યાના સુમારે ઝઘડો કરતા જ જીભઈભાઈએ ઝઘડો કરવાની ના પાડી હતી જેથી ગોપાલભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ઘરમાંથી ધારીયું લઈ આવ્યો હતો અને જીભઈભાઈને મારવા જતાં તેમણે જમણો હાથ ઊંચો કરી દેતાં જમણા હાથની ટચલી આંગણીની બાજુની આંગણીનું ટેરવું કાપી નાંખ્યું હતુ અને બાજુની બે આંગણીઓ ઉપર ધારીયું મારી લોહી કાઢી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ફરી વખત ધારીયું મારવા જતાં જીભઈભાઈએ ડાબો હાથ આગળ ધરી દેતાં બાવડા ઉપર ધારીયું વાગ્યું હતુ. 

દરમ્યાન કાન્તાબેન વચ્ચે છોડાવવા પડતાં તેમને પણ ધારીયાના હાથાથી ડાબા પગના નળા ઉપર તેમજ થાપાના ભાગે મુઢ માર માર્યો હતો. કાન્તાબેન નીચે પડી જતાં ગડદાપાટુનો માર માર્યો હતો. દરમ્યાન ઘરના સભ્યો તથા આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને વધુ મારમાથી છોડાવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

(5:53 pm IST)