Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

નડિયાદ-ઉત્તરસંડા રોડ પર ધમધમતા જુગારધામ પર પોલીસે રેડ પાડી 7 વેપારીઓને જુગાર રમતા ઝડપ્યા

નડિયાદ:નડિયાદ-ઉત્તરસંડા રોડ પર આવેલ દેવ મોટેલમાં ચાલતાં જુગારધામ પર નડિયાદ ટાઉન પોલીસે દરોડો પાડી સાત ખાનદાની નબીરાઓને જુગાર રમતાં રંગેહાથ ઝડપી પાડ્યાં છે. આ સ્થળે ઘણાં સમયથી જુગાર રમાતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે જો કે પોલીસ હાલમાં ટાઈમપાસ કરવા યુવાનો જુગાર રમતા હોવાનું રટણ કરે છે. જેથી આ જુગારધામ નથી પરંતુ ટાઈમપાસ હોવાનું ફલુત કરવાનો પ્રયાસ થયો હોવાનું પણ લોકોમાં ચર્ચાય છે. 

મળતી માહિતી મુજબ નડિયાદ-ઉત્તરસંડા રોડ પર આવેલ દેવ મોટેલના રૂમ નં ૨૦૮ માં જુગારધામ ચાલતો હોવાની માહિતી નડિયાદ ટાઉન પોલીસને મળી હતી. જેથી પોલીસે દરોડો પાડ્યો હતો. અને સ્થળ પરથી સાત જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યાં હતાં. આ જુગારીઓ વેપારીઓ હોય આ બનાવને દબાવવા પણ પ્રયાસ થયાં હતાં. ભારે હોહા થઈ ગઈ હોય પોલીસે આખરે ગુનો દાખલ કરવાની ફરજ પડી હતી. પકડાયેલા શખ્સોમાં જયેશભાઈ મગનભાઈ વાઘેલા , મિહિર શાંતિલાલ પટેલ, સુનિલભાઈ જયેશભાઈ પટેલ, જીગ્નેશભાઈ જયંતિભાઈ પટેલ, સૌરભભાઈ વાસુદેવભાઈ પટેલ, ચિરાગભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ, અને સિરાજભાઈ અલીજી ફકીર મોહંમદ વ્હોરા (રહે. તમામ નડિયાદ)નો સમાવેશ થાય છે. તેઓની પાસેથી ૬૦૧૬૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવતાં તે જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. પીએસઆઈ પટેલને પુછતાં તેમણે જણાવ્યું હતું કે ટાઈમપાસ કરવા માટે આ જુગારીઓ જુગાર રમતાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. 

(5:50 pm IST)