Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

નરેન્દ્રભાઇ બીજી વખત વડાપ્રધાન બને તે માટે પ૩૨ મહિલાઓ દ્વારા ૧૦૮ કુંડી શનિ યજ્ઞઃ લોકસભાની ચૂંટણી જીતાડવા શનિદેવને પ્રાર્થના

સુરત: લોકસભાની ચૂંટણીના પડધમ શરુ થઇ ચુકયા છે ત્યારે સુરતમા મહિલાઓ દ્વારા નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તે માટે અનોખો પ્રયાસ કર્યો હતો. 532 મહિલાઓ દ્વારા 108 કુંડીમા શનિ યજ્ઞ કરવામા આવ્યો હતો. જેમા તેઓએ શનિદેવને નરેન્દ્ર મોદીને ફરીથી લોકસભાની ચૂંટણી જીતાડવા માટે પ્રાથના કરી હતી.

 

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષો દ્વારા જીત માટે એડીચુટીનું જોર લગાવવામા આવી રહ્યુ છે ત્યારે સુરતની મહિલાઓ દ્વારા નરેન્દ્ર મોદી ફરીથી સરકાર બનાવે તે માટે અનોખો પ્રયાસ કર્યો હતો. મોદી વિચાર મંચ દ્વારા કાપોદ્રા સીધ્ધકુટિર મંદિરના તાપી તટે એક શનિ યજ્ઞનું આયોજન હાથ ધરવામા આવ્યુ હતુ. મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓએ આગામી લોકસભા ચુંટણીમાં એનડીએ સ્પષ્ટ બહુમત સાથે કેન્દ્રમાં સરકાર બનાવે અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી વધુ એક વખત પ્રધાન મંત્રી પદની શપથ લે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

તાપી નદીના કિનારે આવેલા સિદ્ધકુટીર આશ્રમમાં આજે વહેલી સવારથી જ ઉપસ્થિત મહિલાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્ના હતો. ૫૩૨ મહિલાઓ દ્વારા ૧૦૮ કુંડીય યજ્ઞમાં આહૂતિ આપવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પુનઃ આગામી પાંચ વર્ષ સુધી દેશનું સુકાન સાંપડે તેવી અભ્યર્થના વ્યક્ત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત અને ભ્રષ્ટાચાર મુક્ત ભારતના આશાવાદ સાથે પરમ ભગવતી સાધક તપોનિધી સંત સ્વામી શ્રી વિજયાનંદજી મહારાજની આગેવાનીમાં મોદી વિચાર મંચ દ્વારા આયોજીત ૧૦૮ કુંડીય યજ્ઞ આજે સાંજે છ વાગ્યા સુધી ચાલશે અને ત્યારબાદ વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે.

(4:42 pm IST)