Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

અંતે, બાવાઆદમના વખતના પોલીસ મેન્યુઅલમાં સુધારો કરવા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

ભાગ-૧ તથા ૨ માટે નવીનીકરણની જવાબદારી મનોજ શશીધરના અધ્યક્ષ સ્થાને આઈજી નરસિમ્હા કોમાર-ડીવાયએસપી જસાણી સંભાળશેઃ ભાગ-૩ની જવાબદારી એટીએસના હિમાંશુ શુકલ તથા ડીસીપી દિપેન ભદ્રને સુપ્રતઃ તમામ ભાગોની ગુજરાતી આવૃતિ તૈયાર કરવામાં આવશે

રાજકોટ, તા. ૨૩ :. બાવાઆદમના યુગના ગુજરાત પોલીસ મેન્યુઅલનું નવીનીકરણ કરવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કરવા સાથે આ માટેની જવાબદારી રાજ્ય પોલીસ તંત્રના કાર્યદક્ષ અને કાયદા નિષ્ણાંત તરીકે જાણીતા એવા આઈપીએસ અધિકારી મનોજ શશીધરના માર્ગદર્શનમાં કરાવવાનું નક્કી કર્યાનું ટોચના પોલીસ સૂત્રો જણાવે છે. પોલીસ તંત્રના નાનામા નાના સ્ટાફને ગુજરાત પોલીસના પોલીસ મેન્યુઅલની સારી રીતે જાણકારી મળે તે માટે તમામ નિયમોની ગુજરાતી આવૃતિ પણ તૈયાર થનાર હોવાનું જાણવા મળે છે.  સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૧ તથા ૨ની નવીનીકરણની કામગીરી પંચમહાલ રેન્જના રેન્જ વડા મનોજ શશીધરની સાથે તેમની મદદમાં લો એન્ડ ઓર્ડરના આઈજી નરસિમ્હા કોમાર તથા સ્ટેટ કંટ્રોલ રૂમના ડીવાયએસપી ગૌરવ જસાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્યના પોલીસ વડા દ્વારા બહાર પડાયેલ આ આદેશમાં ગુજરાત પોલીસના પોલીસ મેન્યુઅલ ભાગ-૩ની જવાબદારી એટીએસના ડીઆઈજી હિમાંશુ શુકલ તથા અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચના ડીસીપી દિપેન ભદ્રને સુપ્રત કરવામાં આવ્યાનું સૂત્રો જણાવે છે. ગુજરાતીમા તૈયાર થનાર આધુનિક પોલીસ મેન્યુઅલમાં કોસ્ટલ સિકયુરીટી, એટીએસ જેવા યુનિટની કાર્યપદ્ધતિને પણ નવીનીકરણમાં સાંકળી લેવાશે. કોઈ અધિકારી આ માટે કોઈ સૂચન કરવા માંગતા હોય તો તે કમીટીને સૂચન મોકલી શકશે. ઉપરોકત કામગીરી પોતાની હાલની મૂળ કામગીરી ઉપરાંત કરવાની હોવાનું પણ સૂત્રો જણાવે છે. કમીટી પોતાની કામગીરીમાં કોઈ અધિકારીની મદદ લેવા ઈચ્છતી હોય તો તે મદદ લઈ શકે તે પ્રકારની છૂટ આપવામાં આવી છે.

(3:55 pm IST)