Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ભુગર્ભ ગટરમાં ઉતરીને ગુંગળાઇને મોતને ભેટવાના મામલામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે

ગેરકાયદે છે ખતરનાક છે છતાં આવા કામો થાય છે, કરાવાય છેઃ ૧૯૯૩થી જાન્યુ. ૨૦૧૯ સુધીમાં દેશમાં ૭૦૫ સફાઇ કામદારોના મોત : ગુજરાત ૧૩૨ સાથે બીજુ : એકલા અમદાવાદમાં જ ૪૯

નવી દિલ્હી તા. ૨૩ : આ કામ ગેરકાયદેસર છે અને તે જીવલેણ છે છતાં આ કામ થઇ રહ્યું છે અને તે છે ભુગર્ભ ગટરમાં ઉતરીને કામ કરવું. આ કામ કરીને મોતને ભેટનારના કેસમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે.

ગટરમાં ઉતરવાથી થતા સફાઈ કામદારોના મૃત્યુના આંકડામાં દેશના ટોચના રાજયોમાં બીજા ક્રમે ગુજરાતનો નંબર આવે છે. ગટરને સાફ કરવા તેમાં ઉતરવું દેશની સૌથી ભયાનક કામોમાંથી એક છે. ૨૬ વર્ષ પહેલા પ્રતિબંધ મૂકવા છતા પણ સફાઈ કામદારો પાસેથી આ પ્રકારનું કામ કરાવાય છે. વર્ષ ૧૯૯૩થી જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં દેશમાં કુલ ૭૦૫ મૃત્યુ થયા છે, જેમાંથી માત્ર ગુજરાતમાં ૧૩૨ સફાઈ કામદારના મોત થયા છે. અમારા સહયોગી અમદાવાદ મિરર દ્વારા નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારી (NCSK)ને કરવામાં આવેલી RTIના સંદર્ભમાં આ જવાબ આપવામાં આવ્યો હતો. રાજયમાં ૪૯ મૃત્યુના આંકડા સાથે અમદાવાદ ટોચ પર છે.

ગુજરાત સફાઈ કામદાર ડેવલપમેન્ટ કોર્પોરેશનને દાવો કર્યો કે ગટર સફાઈનું કામ હવે જાતે કરાવવામાં આવતું નથી. છતાં ૨૦૧૬થી ૨૦૧૮ વચ્ચે ૧૮ સફાઈ કર્મચારીઓના મૃત્યુ થયા છે. મૃત્યુના આંકડા પોતાનું ગુજરાન ચલાવવા માટે નિમ્ન જાતિના લોકોને ગટરમાં ઉતરવા માટે કેવી રીતે ફરજ પડાય છે તેના સમક્ષ પ્રશ્નો ઉભા કરે છે. આ સફાઈ કર્મચારીઓને માત્ર અમુક રૂપિયા ચૂકવાય છે અને સેફટી માટે કોઈ સાધનો અપાતા નથી.

અમદાવાદના ૩૮ વર્ષના સફાઈ કર્મચારી હિતેન મકવાણાએ કહ્યું કે, અમને ગ્લવ્સ, માસ્ક કે યુનિફોર્મ જેવા સેફટીના કોઈ સાધનો આપવામાં આવતા નથી. ગટરમાં ઉતરવાના કારણે અમને થતા રોગો માટે રેગ્યુલર ચેકિંગ કરવા કોઈ મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવતું નથી. કોન્ટ્રાકટરો નિયમ તોડીને અમને ગટરમાં ઉતરવાની ફરજ પાડે છે. ૨૧જ્રાક સદીમાં પણ અમે કોઈજાતના પ્રોટેકશન વિના લોકોના કચરો સાફ કરીએ છીએ. અમે માણસ છીએ છતા જાતિના ભેદભાવના કારણે કોઈ પીવાનું પાણી આપતું નથી. અમને સરકાર તરફથી કોઈ ગ્રેજયુઈટી કે પેન્શન મળતું નથી અને મહિને ૬૦૦૦ કે તેનાથી પણ ઓછી કમાણી થાય છે.

વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ કહ્યું, 'આ સ્પષ્ટપણે ગટરમાં ઉતરીને સફાઈ કરનારા કર્મચારીઓ અને તેમના પુનર્વસનના એકટ ૨૦૧૩નું ઉલ્લંઘન છે. સરકારની આ કામ બંધ થાય તેવી કોઈ ઈચ્છા નથી. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાછળ ૩૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા, પરંતુ ગટરમાં જાતે સફાઈ કરવા ઉતરતા કર્મીઓ માટે કોઈ પૈસા ખર્ચ્યા નથી. ગટરની સફાઈ કરવા માટે રોબોટ્સ આવી ગયા છે. ૧૦૦૦ કરોડના બજેટથી સરકાર આવા ૧૦,૦૦૦ રોબોટ ખરીદી શકે છે. દિલ્હીની સરકારે આ દિશામાં સફળ પ્રયાસોથી ગટરમાં થતા સફાઈ કર્મીઓના મોતના કિસ્સા અટકાવી દીધા છે. જોકે ગુજરાતમાં સ્થાનિક પ્રશાસન આવા જરૂરી સાધનો ખરીદવા નથી ઈચ્છતુ. ગુજરાતની સરકાર ઈચ્છે છે તે અસ્પૃશ્યતા અને ગટરની હાથ વડે સફાઈનું કામ ચાલું રહે.'

(3:52 pm IST)