Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

સોમવારે ઇવીએમ અને સ્ટાફની ફાળવણી

ફર્સ્ટ રેન્ડમાઇઝેશનની ઘડી આવી ગઇ : બે લાખથી વધુ કર્મચારીઓ ફરજ પરઃ લોકસભાની ચૂંટણીમાં બધા નવા મત મશીન, વિધાનસભાની પેટાચૂંટણીમાં જુના મશીન વપરાશે

રાજકોટ, તા., ૨૩: લોકસભાની ચૂંટણી માટે ગુજરાત એકમે પુરતી તૈયારી કરી લીધી છે. તા. ર૮ માર્ચથી ૪ એપ્રિલ સુધી ફોર્મ ભરવાનો સમયગાળો છે. તા.રપ સોમવારે તમામ લોકસભા વિસ્તારમાં ઇવીએમ અને સ્ટાફનું પ્રથમ તબક્કાનું રેન્ડમાઇઝેશન થશે. રાજયમાં પ૧ હજાર જેટલા મતદાન મથકો છે. કુલ ર લાખથી વધુ સ્ટાફ ચૂંટણી ફરજ પર મુકાશે. સુરક્ષા વ્યવસ્થાના કર્મચારીઓનો આ આંકડામાં સમાવેશ થતો નથી.

ગુજરાતમાં કયાં ઇવીએમ કયાં વિધાનસભા મત ક્ષેત્રમાં મોકલવા તેની ફાળવણી સોમવારે થશે. ફાળવણી થયા બાદ જે તે વિસ્તારના નિયત સ્થળે ઇવીએમ મોકલવાનું શરૂ થશે. સોમવારે સ્ટાફનું પણ ફસ્ટ રેન્ડમાઇઝેશન કરવામાં આવશે. કયાં અધિકારીઓ અને કર્મચારીઓને લોકસભા વિસ્તારના કયાં વિધાનસભા વિસ્તારમાં ફરજ બજાવવાની છે? તે સોમવારે નક્કી થઇ જશે. કર્મચારીઓને મંગળવાર સુધીમાં વિધીવત હુકમ મળી જાય તેવી ધારણા છે.   મત મશીનનું બીજા તબક્કાનું રેન્ડમાઇઝેશન  ઉમેદવારો જાહેર થઇ જાય પછી સંભવતઃ એપ્રિલના બીજા અઠવાડીયામાં થશે. કર્મચારીઓને જે તે વિધાનસભા વિસ્તારના મત ક્ષેત્રમાં ફરજ બજાવવા માટેની ફાળવણી મતદાનના આગલા દિવસે કરવામાં આવશે. ઇવીએમ અને સ્ટાફ બંન્નેનું બબ્બે તબક્કાનું રેન્ડમાઇઝેશન થશે.

રાજયમાં ર૬ લોકસભાની સામાન્ય ચુંટણી ઉપરાંત પ વિધાનસભા વિસ્તારો ઉંંઝા, તાલાળા, જામનગર ગ્રામ્ય, માણાવદર અને હળવદમાં વિધાનસભાની પેટાચુંટણી છે.  લોકસભાની ચુંટણીમાં નવા મત મશીન વપરાશે. ધારાસભાની પેટાચુંટણીમાં જુના મત મશીનનો ઉપયોગ કરવામાં આવશે. ચુંટણીનું જાહેરનામું તા.ર૮મીએ બહાર પડે પછી ચુંટણી પંચની કામગીરી વધશે.

(3:50 pm IST)