Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

રાઇટ ટુ એજયુકેશન હેઠળ ૫ એપ્રિલથી ફોર્મ ભરાશે

ગરીબ બાળકોને સરકારી ખર્ચે ખાનગી શાળામાં ભણવાની તકઃ ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઇનઃ પૂર્વ તૈયારી માટે શિક્ષણાધિકારીઓને સરકારનો પત્ર

રાજકોટ તા.૨૩: રાજ્ય સરકાર દ્વારા રાઇટ ટુ એજયુકેશન હેઠળ ગરીબના બાળકોને ખાનગી પ્રાથમિક શાળામાં ભણવાની તક આપવા પ એપ્રિલથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. જેની પૂર્વ તૈયારી માટે પ્રાથમિક શિક્ષણ નિયામક ડો. એમ. આઇ. જોષીએ દરેક જિલ્લા શિક્ષણતંત્રને પત્ર પાઠવ્યો છે.

પત્રમાં જણાવાયું છે કે જે તે શિક્ષણાધિકારીના તાબા હેઠળની તમામ બિન ખાનગી પ્રાથમિક શાળાની તમામ વિગતો તા. ૨૩-૩-૨૦૧૯ ના રોજ અપલોડ થઇ જાય તેવી સૂચના આપવામાં આવેલ હતી. પરંતુ હાલનાં તબક્કે બહુ જ ઓછી સંખ્યામાં શાળાઓની માહિતી અપલોડ થયેલ છે. જેથી, આપની કક્ષાએથી આ કામગીરીને ગંભીરતાથી લીધેલ હોય તેવું જણાતું નથી. આથી, આ કામગીરીને ટોચ અગ્રતા આપી ગંભીરતાથી લઇ તાબા હેઠળની તમામ બિન ખાનગી પ્રાથમિક શાળાની તમામ વિગતો સમયમર્યાદામાં અપલોડ થઇ જાય તેની ખાસ તકેદારી રાખવા માટે જણાવવામાં આવે છે. રિસિવિંગ સેન્ટરની વિગતો પણ તા. ૨૫-૩-૨૦૧૯ સુધીમાં વેબ-પોર્ટલ પર અપલોડ થઇ જાય તેની ખાસ તકેદારી રાખવી, આરટીઇ પ્રવેશ માટે સંભવત તા. ૨૫-૩ ના રોજ દૈનિક સમાચાર પત્રકોમાં જાહેરાત પ્રસિદ્ધ થવાની શકયતા છે અને તા. ૫-૪ ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થનાર છે. આ સમયગાળા દરમ્યાન ગત વર્ષની જેમ જિલ્લાના તમામ રિસિવિંગ સેન્ટરના કર્મચારીઓને અને વેરીફાયરને તાલીમ આપવામાં આવે, રિસિવિંગ સેન્ટર ઉપર કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઇન્ટરનેટ કનેકશન વગેરે જરૂરી હોય તેવી તમામ સુવિધા ઉભી કરવામાં આવે તથા જિલ્લા કક્ષાએ હેલ્પ ડેસ્ક રાખી વાલીઓને તથા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે, ગત વર્ષની જેમ રજીસ્ટર નિભાવવામાં આવે વગેરે પ્રકારની કરવાની થતી તમામ વ્યવસ્થા કરવા જણાવવામાં આવે છે. જિલ્લામાં પાત્રતા ધરાવતાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરે તે માટે પ્રચાર-પ્રસાર કરવો.

(3:46 pm IST)