Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

અમિત શાહને ગાંધીનગરની ટિકિટ મળી જતા ભાજપમાં ખુશી

ઢોલ-નગારા અને આતશબાજી કરવામાં આવી : અમિત શાહની ગુજરાતમાંથી ચૂંટણી લડવા માટે જાહેરાત થતાં ભાજપના કાર્યકરોમાં નવી ઉર્જા, ઉમંગ અને ઉત્સાહ

અમદાવાદ,તા.૨૨ : આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ઇલેક્ટ્રોનિક મીડિયા સમક્ષ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગરથી ચૂંટણી લડાવવાના કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણયને આવકારી આનંદ સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત પ્રદેશ ભાજપા ચૂંટણી સમિતિએ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડે તેવા આગ્રહ અને વિનંતી સાથે ઠરાવ પસાર કર્યો હતો, જેને ધ્યાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ તથા સ્વયં અમિત શાહે આ લાગણીનો સહર્ષ સ્વીકાર કર્યો હતો, જે અમારા માટે ખૂબ આનંદની વાત છે. વાઘાણીએ અંતઃકરણપૂર્વક ખૂશી વ્યક્ત કરતા વધુમાં જણાવ્યુ હતુ કે, બૂથના કાર્યકર્તા તરીકે જનસેવાની શરૂઆત કરનાર અમિત શાહ તેમની મહેનત, વિચક્ષણ બુધ્ધિક્ષમતા અને સંગઠનની કુનેહના આધારે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. આજે સમગ્ર દેશમાં ભાજપાના રાષ્ટ્રવાદી વિચાર અને જનસેવાના કાર્યોને જન-જન સુધી પહોચાડવા માટે કાર્યરત એવા ગુજરાતના પનોતા પુત્ર અમિત શાહની ગુજરાતમાંથી ચૂંટણી લડવાની જાહેરાત થતાંની સાથે જ ભાજપાના કાર્યકરોમાં નવી ઉર્જા, ઉમંગ અને ઉત્સાહનો અનેરો સંચાર થયો છે તેમજ ગુજરાતની જનતામાં અભૂતપૂર્વ આનંદ અને ઉત્સાહની લાગણી ઉમટી છે જે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપાને તમામ ૨૬ બેઠકો પર વિજય પ્રાપ્ત કરવામાં ચોક્કસપણે મદદરૂપ થશે. રાજ્યભરમાં ભાજપાના કાર્યકરોએ આ નિર્ણયને વધાવતાં ઢોલ-નગારા અને આતશબાજી સાથે ખૂશી વ્યક્ત કરી હતી. વાઘાણીએ અંતમાં જણાવ્યુ હતુ કે, આજે કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવા જઇ રહી છે, જેમાં ગુજરાતની બાકી રહેલ ૨૫ લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

(7:58 pm IST)