Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

સુરતના ઓલપાડ તાલુકાના સરસ ગામમાં હોલીકાદહન બાદ અંગારા ઉપર ચાલવાની પરંપરા

સુરત: રંગોના તહેવારની હોળી સમગ્ર દેશમાં ઉજવાય છે. પરંતુ સરુતના એક ગામડામાં હોળી તદ્દન અલગ જ પ્રકારે ઉજવવામાં આવે છે. સુરત શહેરથી 35 કિલોમીટર દુર આવેલા ઓલપાડ તાલુકાના સરસ ગામમાં લોકો હોળી દહન બાદ અંગારા પર ચાલે છે. શ્રદ્ધામાં ગળાડૂબ લોકોને અંગારામાં ચાલતા જોઇ તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો.

ઓલપાડના સરસ ગામમાં આ પ્રણાલિકા વર્ષોથી ચાલી આવી રહી છે. હોળીનો પર્વ એટલે અસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયનો દિવસ, પણ સુરત શહેરથી 35 કિલોમીટર દુર આવેલા એક નાનકડા ગામડામાં વર્ષોથી ચાલી આવેલી એક પ્રથા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પ્રથાને અંધશ્રદ્ધા કહો કે શ્રદ્ધા પણ આ ગામડામાં લોકો હોળીની રાત્રે પ્રગટાવે છે અને ખુબ ધામધૂમથી હોળીની ઉજવણી કરે છે. જ્યારે હોળીકા દહન બાદ ત્યાંના લોકો પાંચથી છ સેન્ટીમીટર સુધી પાથરેલા અંગારા પર ચાલે છે. 5 વર્ષના બાળકથી લઇને 60 વર્ષના વૃદ્ધ સુધીના લોકો ઉઘાડા પગે ચાલે છે. વર્ષોથી ગામના લોકો એક શ્રદ્ધા રાખી અંગારા પર ચાલવાનો સાહસ કરે છે.

ભારત દેશમાં વસતા લોકો શ્રદ્ધા પર જ નિર્ભર હોય છે અને શ્રદ્ધા પર જ જીવન વિતાવે છે. સરસ ગામના લોકોની પણ આવીજ કંઇક શ્રદ્ધા હોળીના પર્વ પર છે. છેલ્લા સો વર્ષથી ચાલી આવાતી સરસ ગામમાં હોળીકા દહન બાદ અંગાર પર ચાલવાની પ્રથા એટલી વિખ્યાત છે કે ઓલપાડ ગામના લોકો જ નહીં પરંતુ આસપાસના ગામમાં વસતા લોકો પણ હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે સરસ ગામમાં ચોક્કસ આવે છે. સાત ફેરા ફરીને લોકો અંગારા પર ચાલે છે તે નજારો આંખે વિસ્વાસ ના થાય તેવો લાગે છે. આ નજારો જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

આજથી 100 વર્ષ પહેલા ગામના એક આગેવાને હોળીકા દહન બાદ ખુલ્લા પગે આ અંગારા પર શ્રદ્ધાથી ચાલ્યા હતા. ત્યારબાદ દર વર્ષે હોળીના તહેવાર નિમિતે ગામના લોકો હોળી શ્રદ્ધાથી પ્રગટાવે છે અને ત્યારબાદ ગામના તળાવમાં સ્નાન કરી હોળીના ધગધગતા અંગારા પર લોકો ચાલે છે. આટલા વર્ષોથી ચાલી આવેલી આ પ્રથામાં બાળકો પણ અંગારા પર ચાલે છે અને તેમને જોવા માટે લોકો દુરદુરથી પરિવાર સાથે આવે છે. કળીયુગમાં આ આસ્થાનો નજારો જોઇ ધન્યતા અનુભવે છે.

સરસ ગામે બાપ-દાદાના સમયથી ચાલી આવેલી આ પરંપરા હજુ જીવંત છે. આજે ગામજનો ચાલે છે. તેમજ બહારની વ્યક્તિ પણ શ્રદ્ધા પૂર્વક ચાલી શક છે. સરસ ગામમાં જ નહીં પરંતુ સુરત જિલ્લાના કોઇપણ ગામમાં હોળીના દિવસે પ્રગટાવેલ દેવતામાં ચાલી શકીએ છે. જે હોળી માતાની શ્રદ્ધા છે. હોળીના દેવતાના અંગારા પર જે વર્ષમાં એકવાર ચાલી શકાય છે. પરંતુ હોળીના દિવસ સિવાય આ આગના દેવતા પર ચાલી શકાતું નથી. આમતો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી રેખા હોય છે પણ કહેવાય છે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની ક્યાં જરૂર છે.

(4:32 pm IST)