Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

અંદાજપત્રમાં ગુજરાતીપણાના સંસ્કાર દર્શન થાય છે : સરકાર

રાજ્યનો વિકાસલક્ષી ખર્ચ ૧૧૧૫૬૫ કરોડ: બજેટમાં વિકાસલક્ષી ખર્ચના ૫૮ ટકા જેટલી ફાળવણી સામાજિક સેવાઓ માટે કરવામાં આવી છે : નીતિન પટેલ

અમદાવાદ,તા.૨૩: રાજ્ય વિધાનસભામાં નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચાનો જવાબ આપતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણા નીતિન પટેલે જણાવ્યું હતું કે, સુદ્રઢ નાણાકીય વ્યવસ્થાપન અને શ્રેષ્ઠ નાણાકીય શિસ્ત ગુજરાતની આગવી ઓળખ બની ગયા છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વેપાર-વાણિજ્યએ ગુજરાતીઓના જન્મજાત સંસ્કાર છે. ગુજરાતી ક્યારેય ખોટનો ધંધો કરે નહીં. ગુજરાતના અંદાજપત્રમાં પણ ગુજરાતીપણાના સંસ્કારના દર્શન થાય છે. તેમણે જણાવ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટેના સમગ્ર અંદાજપત્રનું કદ ૧,૮૩,૬૬૬ કરોડ છે. અંદાજપત્રમાં ૭૮૩ કરોડની એકંદર પુરાંત અને ૫૯૯૮ કરોડની મહેસૂલી પુરાંત દર્શાવે છે. નાણા મંત્રીએ જણાવ્યું કે, અંદાજપત્રમાં વિકાસલક્ષી ખર્ચ ૧,૧૧,૫૬૫ કરોડ અંદાજવામાં આવ્યો છે. જેના સામે બિન વિકાસલક્ષી ખર્ચ ૭૦,૦૧૨ કરોડ એટલે કે, વિકાસલક્ષી ખર્ચ એ બિન વિકાસલક્ષી ખર્ચ કરતાં ૪૧,૫૫૩ કરોડ જેટલો વધુ છે. એનો અર્થ એ થયો કે, અંદાજપત્રમાં વિકાસલક્ષી ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચના દોઢ ગણાથી પણ વધુ છે. મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન અંદાજપત્રમાં વિકાસલક્ષી ખર્ચના ૫૮ ટકા જેટલી ફાળવણી સામાજીક સેવાઓ માટે કરવામાં આવી છે. એનો અર્થ એ થયો કે, કુલ વિકાસલક્ષી ખર્ચ ૧,૧૧,૫૬૫ કરોડની સામે સામાજીક સેવા પાછળ ૬૪,૨૫૭ કરોડ જેટલો ખર્ચ કરવાનો નિર્ધાર કરાયો છે. મંત્રીએ કહ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે રાજ્યની પોતાની કર આવક ૮૮,૭૨૯ કરોડની અંદાજવામાં આવી છે. વર્ષ ૨૦૧૭-૧૮ના અંદાજ કરતા ૧૬ ટકા વધુ છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યનું દેવું રાજ્યના વિકાસ કાર્યો એટલે કે, મૂડી ખર્ચ માટેનું એક સંશાધન છે. રાજ્ય સરકારે ૧૩માં નાણાપંચની ભલામણ મુજબ ગુજરાત રાજ વિત્તિય અધિનિયમમાં વધુ સઘન માપદંડો અમલમાં મુક્યા છે. જે અનુસાર રાજ્યનું કુલ દેવું વર્ષ ૨૦૧૬-૧૭માં રાજ્યના કુલ ઘરેલુ ઉત્પાદનના ૨૭.૧૦ ટકા મર્યાદાના લક્ષ્યાંક સામે ૧૭.૨૧ ટકા હતું અને વર્ષ ૨૦૧૭-૧૮ના સુધારેલા અંદાજ મુજબ તે ૧૬.૪૬ ટકા હતું જ્યારે વર્ષ ૨૦૧૮-૧૯ના અંદાજ મુજબ આ આંકડો ઘટીને ૧૫.૯૬ ટકા રહેશે. રાજ્યની રાજ વિત્તિય ખાદ્ય ૨૦૧૬-૧૭માં રાજ્ય કુલ ઘરેલુ ઉત્પાદનના ૩ ટકાની મર્યાદાના લક્ષ્યાંક સામે ૧.૪૨ ટકા અને વર્ષ ૨૦૧૮-૧૯ના અંદાજ મુજબ ૧.૭૧ ટકા રહેશે.

(10:05 pm IST)