Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

મલ્ટિ સ્પેશિયાલિટીને વિશેષ અનુદાન ફાળવવા વિચારણા

ગોંડલ સ્થિત રામજી મંદિરમાં રૂપાણી પહોંચ્યાઃ ગંભીર ઓપરેશન માટે ત્રણ લાખ અને પગના રિપ્લેશમેન્ટ માટે રૂપિયા ૮૦ હજારની રાજ્ય સરકાર તરફથી જાહેરાત

અમદાવાદ,તા.૨૩: આજે સવારે રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે રામજી મંદિરે પૂ. સ્વામી હરિચરણદાસજી મહારાજના ૯૬માં પ્રાગટ્ય દિવસે બ્રહ્મ ચોર્યાસી સહીત આયોજિત વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નાગરિકોના આરોગ્યની ખેવાનાનો પ્રતિઘોષ ઉચ્ચારતાં જણાવ્યું હતું કે, સંસ્થાઓ દ્વારા ચલાવતી મલ્ટી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલને વિશેષ અનુદાન ફાળવવા રાજ્ય સરકાર વિચારશીલ છે. રામજી ચેરીટેબલ હોસ્પિટલ એ વાતનું પ્રમાણ છે કે દિવ્ય ઈશ્વરીય કાર્ય નાણા-સમયના અભાવે કદી અટકતું નથી તેમ રૂપાણીએ ગૌરવ સાથે ઉમેર્યું હતું. તેમણે ચાલુ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવેલા ૯૭૦૦ કરોડનો ઉલ્લેખ કરતા જાહેર કર્યું હતું કે, કોઈપણ પ્રકારના ગંભીર ઓપરેશન માટે રાજ્ય સરકાર ૩ લાખ તથા,ની રિપ્લેસમેન્ટ માટે એક પગ દીઠ ૪૦ હજાર મળી કુલ ૮૦ હજાર ચૂકવશે. મુખ્યમંત્રીની આ જાહેરાતને ઉપસ્થિત સૌ કોઈએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલી વિવિધ લોક-કલ્યાણ લક્ષી યોજનાઓનો ઉલ્લેખ કરી આ યોજનાઓનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ સ્વામી હરિચરણ દાસજી મહારાજને ગુજરાતનું ગૌરવ ગણાવતા ગોંડલ સાથેના તેમના સંસ્મરણો તાજા કર્યા હતાં અને રાજ્યના ગરીબો-પીડિતો-શોષિતોની સેવા કરનારા સંત રણછોડદાસજી બાપુના સેવાકાર્યોનો નતમસ્તકે ઋણ સ્વીકાર કર્યો હતો. રામજી હોસ્પિટલ ખાતે થઈ રહેલી આરોગ્યલક્ષી સેવાઓની મુખ્યમંત્રીએ સરાહના કરી હતી અને કાર્યક્રમના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યાં હતાં.  આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આંખ વિભાગના  નવ નિર્માણનું ભૂમિપૂજન આંખ વિભાગ,  લેસર તથા સોનોગ્રાફીના મશીનનું લોકાર્પણ, નવા સ્ટાફ કવાર્ટસનું ભૂમિપૂજન અને પૂ.માં સ્વામી સાથેના મારા અનુભવો પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા ફુલહારથી સ્વગત કરાયું હતું. જન્મદિન શુભકામના વ્યક્ત કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂ.શ્રી હરિચરણદાસજી મહારાજને પુષ્પ હાર પહેરાવી તેમજ શાલ ઓઢાડીને અભિવાદન કર્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ મંગલદીપ પ્રાગટ્ય હરિચરણદાસજી મહારાજ, મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ અન્ય સંતો-મહંતો અને મહાનુભાવોના હસ્તે કરાયો હતો. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોંડલના પ્રસિદ્ધ આસ્થા સ્થાન રમાનાથ ધામના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. અહીં માં અંબેની વિશાળ પ્રતિમા સમક્ષ મુખ્યમંત્રીએ શીશ ઝૂકાવી ગુજરાતના સર્વાંગી વિકાસની મંગલ કામના કરી હતી. રમાનાથ ધામની સ્થાપના ગોંડલના આધ્યાત્મિક પુરુષ નાથાલાલ જોશી અને તેમના ધર્મપત્ની રમાબેન જોશી દ્વારા કરવામાં આવી છે. અહીં દર્શનમાત્રથી આધ્યાત્મિકતાની અનુભૂતિ થાય છે. મંદિરનું વિશાળ પરિસર દર્શનીય સ્થળ છે. મુખ્યમંત્રી રૂપાણીએ ચૈત્રી નવરાત્રીના પવિત્ર અવસરે મંદિરમાં સ્થાપિત માં અંબાની પ્રતિમા સમક્ષ શીશ નમાવી પ્રાર્થના કરી હતી અને ગુજરાતના સર્વાંગી વિકાસ તથા લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મંદિરના પૂજારી તેમને પૂજાઅર્ચના કરાવી હતી.

 

(10:03 pm IST)