Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

કાયદાનો દૂરપયોગ નિહાળીને ગુજરાત હાઇકોર્ટ ભારે નારાજ

છેતરપિંડીના કેસમાં કાપડના વેપારીને પાસા : કોર્ટે શહેર પોલીસ કમિશનરને એક તબક્કે હાજર રહેવા અને ખુલાસો કરવા માટેની ચીમકી પણ આપી દીધી હતી

અમદાવાદ,તા. ૨૩ : ચીટીંગ(છેતરપીંડી)ના કેસમાં કયારેય પાસાનો હુકમ જોયો છે? તમે કહેશો ના પરંતુ શહેરના કાપડના એક વેપારી વિરૂધ્ધ ચીટીંગના કેસમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પાસાનો હુકમ કરવાનો સૌપ્રથમ કેસ ગુજરાત હાઇકોર્ટમાં આવતાં હાઇકોર્ટ પોલીસતંત્ર પર ખિન્ન થઇ હતી. હાઇકોર્ટે કાયદાનો આટલી હદે દૂરપયોગ જોઇ એટલી હદે નારાજ થઇ હતી અને ભરચક કોર્ટમાં જસ્ટિસ એસ.જી.શાહે પોલીસ સત્તાવાળાઓને જોરદાર રીતે ખખડાવ્યા હતા. એક તબક્કે હાઇકોર્ટે ચીટીંગના કેસમાં આ પ્રકારે ખોટી રીતે પાસાનો હુકમ કરનાર શહેર પોલીસ કમિશરને અદાલત સમક્ષ રૂબરૂ હાજર રહી ખુલાસો કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે, બપોર બાદ આખરે સરકારે હાઇકોર્ટને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો અને જણાવ્યું હતું કે, જો કોર્ટ દ્વારા પાસાનો હુકમ રદ કરવામાં આવે તો તેમને વાંધો નથી. બાદમાં જસ્ટિસ એસ.જી.શાહે કાપડના વેપારી વિરૂધ્ધનો પાસાનો હુકમ રદ કરી પોલીસતંત્ર અને સરકારપક્ષને ભવિષ્યમાં આવી ચૂક ના થાય તેનું ધ્યાન રાખવા કડક તાકીદ કરી હતી. શહેરના કાપડના વેપારી સંજય અગ્રવાલ દ્વારા કરાયેલી રિટ અરજીમાં સિનિયર કાઉન્સેલ આર.જે.ગોસ્વામી અને એડવોકેટ હાર્દિક બી.ચંપાવતે હાઇકોર્ટનું ખાસ ધ્યાન દોર્યું હતું કે, પ્રસ્તુત કેસમાં બે ફર્મ વચ્ચે ધંધાકીય વાતને લઇ પૈસાની લેવડદેવની વાત હતી અને તેમાં ફરિયાદીએ અરજદારપક્ષ વિરૂધ્ધ રૂ.૬૫ લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, સમગ્ર કેસમાં અરજદારની જેન્યુઇનનેસ અને બોનાફાઇડ સ્પષ્ટ થાય છે કારણ કે, અરજદારને ફરિયાદી સાથે ધંધાકીય કામકાજમાં જે પૈસા આપવાના બાકી નીકળતા હતા, તે પેટે અરજદારે ચેક પણ આપેલા હતા. જો અરજદાર પૈસા આપવા જ ના ઇચ્છતા હોત તો ચેક ના આપ્યા હોત. વળી, પૈસા આપવામાં જે વિલંબ થયો તે, અરજદારની પત્ની કે જે સમગ્ર બિઝનેસનું સંચાલન કરતી હતી તેની કિડની ફેઇલ થઇ ગઇ હતી અને તે ઘણી જ ગંભીર બિમાર પડી ગઇ હતી, તેની સારવારના ખર્ચામાં તેઓ ફસાઇ ગયા હતા. ફરિયાદીએ ફરિયાદ નોંધાવ્યા બાદ અરજદારની પત્નીની હાલત વધુ બગડી ગઇ હતી અને તા.૨૫-૧-૨૦૧૮ના રોજ તેણીનું કરૂણ મોત નીપજયુ હતું. અરજદારપક્ષ તરફથી સિનિયર કાઉન્સેલ આર.જે.ગોસ્વામીએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, અરજદારની પત્નીના મોત બાદ પણ ફરિયાદી અને પોલીસે એકબીજાના મેળાપીપણામાં તેમને ધમકીઓ અને ત્રાસ ચાલુ રખાયો હતો અને છેવટે તા.૧૬-૨-૨૦૧૮એ પોલીસ કમિશનરે અરજદાર વિરૂધ્ધ પાસાનો હુકમ કરી તેમને ભુજ જેલમાં ધકેલ્યા હતા. આ બીજું કંઇ નહી પરંતુ કાયદાની દૂરપયોગનો બહુ ગંભીર અને ખરાબ કિસ્સો કહેવાય. જસ્ટિસ એસ.જી.શાહે કેસની સમગ્ર હકીકતો ધ્યાને લઇ પોલીસ સત્તાધીશોનો ભરચક કોર્ટમાં રીતસરનો ઉધડો લઇ નાંખ્યો હતો. હાઇકોર્ટે વેધક સવાલ કર્યો હતો કે, સૌથી પહેલા કોર્ટને એ સમજાવો કે, ચીટીંગના કેસમાં પાસા કેવી રીતે થઇ શકે? આ બે પાર્ટી વચ્ચે ધંધાકીય કામકાજમાં પૈસાની લેવડદેવડની વાત છે અને દિવાની તકરાર છે, તેમાં જાહેર સુલેહ શાંતિ કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતના ભંગની કયાં વાત આવે છે કે શહેર પોલીસ કમિશનરે પાસા લાગુ કર્યો..મને લાગે છે કે, શહેર પોલીસ કમિશનરે પ્રસ્તુત કેસમાં વગર વિચાર્યે પાસાનો હુકમ કર્યો હોય એમ જણાય છે. આ પ્રકારે કાયદાનો દૂરપયોગ કોઇપણ પ્રકારે સાંખી શકાય નહી. હાઇકોર્ટે એક તબક્કે પોલીસ કમિશનરને હાજર કરવા ચીમકી ઉચ્ચારી ખુલાસો કરવા તાકીદ કરી હતી. જો કે, રીસેસ બાદ સરકારપક્ષ તરફથી હાઇકોર્ટનો મિજાજ શાંત પાડવાનો પ્રયાસ કરાયો હતો અને જણાવાયું હતું કે, અદાલત પાસાનો હુકમ રદ કરે તો તેમને વાંધો નથી. જેથી હાઇકોર્ટે અરજદાર વેપારી વિરૂધ્ધનો ખોટી રીતે કરાયેલો પાસાનો હુકમ રદ કર્યો હતો.

(8:19 pm IST)