Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

વલસાડના કપરાડાની સ્કુલમાં શિક્ષકો દ્વારા જ પરિક્ષામાં ચોરીઃ વિડીયો વાયરલ

વલસાડઃ બોર્ડની પરિક્ષામા શિક્ષકો જ વિદ્યાર્થીઓને પરિક્ષામા ચોરી કરાવતા હોવાનુ ખુલતા ખળભળાટ મચી ગયો છે જેનો વિડીયો સોશ્યલ મિડીયામા વાયરલ થયો છે

પ્રાપ્ત માહિતી મુજબ વલસાડ જીલ્લાના કપરાડાની એક શાળામાં શિક્ષકો એક પછી એક વિદ્યાર્થીઓને કાપલી આપી રહ્યા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. ખાસ વાત એ છે કે, અત્યારે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, એવા સમયમાં જ આ વીડિયો વાયરલ થતાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે લેવામાં આવેલા પગલાંઓ સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષા સમયે બોર્ડ દ્વારા પરિક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતી કે, ચોરી ન થાય તે માટે સ્કોર્ડની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પરંતુ આ સ્કૂલમાં ખુલ્લેઆમ ચોરી થતી હોવાનો વીડિયો બોર્ડની વ્યવસ્થાના લીરે લીરા ઉડાવી દે છે.

તંત્ર એક્શનમાં આવી ગયું છે. વલસાડ જીલ્લાના જીલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, વીડિયોમાં જોવામાં મળતા શિક્ષકો વિરુદ્ધ કડક પગલા ભરવામાં આવશે. જે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ચોરી કરાવાઈ રહી છે તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તો શિક્ષણ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે સ્કૂલમાં ચોરીનો બનાવ બન્યો છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

(7:29 pm IST)