Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

કલોલ તાલુકા પોલીસે બાતમીના આધારે જામળાના બોરકૂવા પાસેથી 2.55 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે કલોલ તાલુકા પોલીસે બાતમીના આધારે જામળા ગામના બોરકુવા ઉપરથી ર.પપ લાખની કિંમતના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડયો છે જ્યારે આ દારૂનો જથ્થો ઉતારી જનાર મહેસાણાના બુટલેગરની શોધખોળ શરૂ કરી છે. આ સંદર્ભે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડીયામાં ગાંધીનગર જિલ્લામાંથી ૧પ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાઈ ચુકયો છે.   
રાજયમાં હાલ દારૂની હેરાફેરી અટકાવવા માટે ખાસ પ્રોહીબીશન ડ્રાઈવ શરૂ કરવા પોલીસ વડાએ આપેલી સૂચનાના પગલે તમામ જિલ્લાઓ દ્વારા બુટલેગરોને ઝડપી પાડી દારૂનું વેચાણ અને હેરાફેરી અટકાવવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે છેલ્લા એક અઠવાડીયાથી જિલ્લામાં એલસીબી, એસઓજીની સાથે સ્થાનિક પોલીસ દ્વારા પણ દારૂબિયરનો જથ્થો પકડવામાં આવી રહયો છે ત્યારે કલોલ તાલુકા પોલીસ ગઈકાલે પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે જામળા ગામની સીમમાં આવેલા કાશીરામ સોમદાસ પટેલના બોરકુવા ઉપર રહેતો અરજણ શંકરભાઈ કોળી બોરની ઓરડીમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો રાખે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં અરજણ કોળીને વિદેશી દારૂની ૪૯૨ બોટલ તેમજ ૧૪૪ કવાટર મળી કુલ ર.પપ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પુછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો મહેસાણાના પઢારીયા ગામનો બુટલેગર કુલદીપસિંહ દીલીપસિંહ ચાવડા ઉતારી ગયો હતો. જેથી પોલીસ દ્વારા તેની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.

(6:04 pm IST)