Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ડભોડા-વડોદરા વચ્ચે કોઝવેના ધોવાણથી ચાલકોને મુશ્કેલી

ગાંધીનગર:જિલ્લામાંથી પસાર થતી ખારી નદીના ડભોડા-વડોદરા વચ્ચે વર્ષો અગાઉ કોઝવે પાણીના અવર જવર માટે બનાવવામાં આવ્યો હતો. ત્યારે આ કોઝવે ઉપર પુલ બનાવવાની માંગણી પણ અવાર નવાર કરવામાં આવી રહી છે પરંતુ તંત્ર દ્વારા તે બાબતે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવતાં વર્ષો જુનો કોઝવે પણ સમારકામના અભાવે ધોવાઇ ગયો છે. જેના પગલે અવર જવર કરતાં વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરીને પસાર થવું પડે છે.
જિલ્લાના ડભોડા-વડોદરા વચ્ચે ખારી નદી ઉપર વાહનોની અવર જવર માટે તંત્ર દ્વારા કોઝવે બનાવવામાં આવ્યો છે. ચોમાસાની મોસમમાં સતત નદીનું પાણી વહેતું હોવાથી વાહન ચાલકોને પણ આ સીઝનમાં હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ કોઝવે ઉપર પુલ બનાવવામાં આવે તો ચોમાસાની મોસમમાં ગ્રામજનોને અવર જવરમાં મુશ્કેલી ભોગવવી પડે નહીં તે માટે અવાર નવાર રજૂઆતો પણ ઉચ્ચકક્ષાએ કરવામાં આવી છે. છતાં પણ તંત્રના બહેરાકાને રજૂઆત સંભળાતી ન હોય તેમ આજદિન સુધી પુલ બનાવવા માટેની કોઇ જ કામગીરી હાથ ધરી નથી. તો બીજી તરફ નદી ઉપર આવેલો કોઝવે પણ ધોવાઇ ગયો છે અને ઠેર ઠેર ઉબડ ખાબડ થઇ ગયો છે. તેવું જિલ્લાના પંચાયતના સદસ્ય દિનુભાઇ સોમાજી ઠાકોરે જણાવ્યું છે. હાલમાં બિસ્માર બનેલાં આ કોઝવે ઉપર લોખંડના સળીયા પણ નીકળી આવ્યા છે. જે અવર જવર કરતાં વાહનચાલકો માટે પણ જોખમી બન્યાં છે. ગત ચોમાસામાં આ કોઝવે ઉપર ખાડા પડી જવા અંગે પણ રજૂઆતો કરવામાં આવી હતી. છતાં પણ તે બાબતે કોઇ જ કામગીરી કરવામાં નહીં આવતાં લોકોને પણ પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી સત્વરે કોઝવે ઉપર પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

(6:04 pm IST)