Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ગાંધીનગરમાં ઘરફોડ ચોરીનો સિલસિલો યથાવત: તસ્કરો રોકડની સાથે 70 કિલો ઘી પણ ચાઉં કરી ગયા

ગાંધીનગર:જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે ત્યારે કલોલ તાલુકાના ચાંદીસણા ગામમાં આવેલી સહકારી દુધ મંડળીને પણ તસ્કરોએ છોડી નથી. ગઈરાત્રીએ ત્રાટકેલા તસ્કરોએ મંડળીના શટરનું તાળું તોડી ઓફીસમાંથી રોકડ ર૬૨૭૦ની સાથે ઓફીસમાં રહેલું ૩૧ હજારની કિંમતનું ૭૦ કિલો ઘી પણ ચોરી ગયા હતા. આ સંદર્ભે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.  
ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુનાઓની નવાઈ રહી નથી ત્યારે તસ્કરો એક પછી એક વિસ્તારોમાં ચોરી કરવામાં સફળ થઈ રહયા છે. બંધ મકાનો બાદ ઓફીસ અને દુકાનોના પણ તાળાં તુટી રહયા છે ત્યારે કલોલ તાલુકાના ચાંદીસણા ગામમાં ત્રાટકેલા તસ્કરોએ ગામની સહકારી દુધ મંડળીને નિશાન બનાવતાં ચકચાર મચી છે. ઘટનાની મળતી વિગતો પ્રમાણે કલોલ તાલુકાના ચાંદીસણા ગામમાં આવેલી સહકારી દુધ મંડળીમાં ગઈકાલે રાત્રે કામકાજ પૂર્ણ થયા બાદ ઓફીસ બંધ કરી દેવામાં આવી હતી. આ દરમ્યાન રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને મંડળીની ઓફીસના શટરનું તાળું તોડી ટેબલમાં રહેલા રોકડ રૂપિયા ર૬૨૭૦ ચોરી લીધા હતા. તેની સાથે આ ઓફીસમાં પ૦૦ ગ્રામ ઘીના ૧૪૦ પાઉચ પડયા હતા તે પણ તસ્કરો ચોરી ગયા હતા જેની કિંમત પણ ૩૧ હજાર રૂપિયા જેટલી થવા જાય છે. સવારના સમયે મંડળીના કર્મચારી પહોંચ્યા ત્યારે તેમને તાળું તુટેલું જોઈને ચોરીનો અંદાજ આવી ગયો હતો અને ત્યારબાદ આ સંદર્ભે પ્રમુખને જાણ કરવામાં આવી હતી. જેથી મંડળીના પ્રમુખ મનુભાઈ જીવણભાઈ પટેલે કલોલ તાલુકા પોલીસને બનાવની જાણ કરી હતી અને પોલીસ સ્થળ ઉપર પહોંચીને અજાણ્યા તસ્કરો સામે ૫૭ હજાર ઉપરાંતનો ચોરીનો ગુનો નોંધીને તેમને પકડવા માટે દોડધામ શરૂ કરી હતી.

(6:04 pm IST)