Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

કપડવંજ:ગોડાઉનનું શટર તોડી તસ્કરો 2.80 લાખની મતાનો હાથફેરો કરી છનનન....

કપડવંજ:નાની રત્નાકર માતા રોડ ઉપર આવેલ ગોડાઉનનું શટર તોડી તસ્કરો કોમ્પ્યૂટરનું સીપીયું તેમજ ફેક્સીબલ વાયર તેમજ છોટા હાથી ટેમ્પો મળી કુલ રૂપિયા ૨,૮૦,૦૦૦ની મત્તા ચોરી ગયા હતા. આ બનાવની સવારે જાણ થતાં કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજમાં મનીષભાઈ ગોપાલભાઈ શાહ પરિવાર સાથે રહે છે. મનીષભાઈ શાહનું નાની રત્નાકર માતા રોડ ઉપર આભૂષણ એપાર્ટમેન્ટની બાજુમાં મનીષ એન્ટરપ્રાઈઝ આવેલ છે. ગતરાત્રે કોઈ તસ્કરો મનીષ એન્ટરપ્રાઈઝની ઓફિસના બારીના સળીયા કાપી તથા ગોડાઉનના શટર પાનાથી તેમજ ગેરવાળા હેન્ડલથી ખોલી બંને બાજુના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા. અને કોમ્પ્યૂટરનું સીપીયુ રૂપિયા ૫૦૦૦, સીસીટીવીનું ડીવીઆર રૂપિયા ૫૦૦૦ ઉપરાંત અન્ય ચીજ વસ્તુઓ ફેક્સીબલ વાયર આશરે ૧૩ પેટીઓ સહિત અંદાજીત રૂપિયા ૨,૨૫,૦૦૦ની મત્તા તેમજ ચોરી ગયા હતા. આ ઉપરાંત તસ્કરો ગોડાઉન આગળ પાર્ક કરેલ છોટા હાથી નં. જીજે-૭ યુયુ-૭૮૫૫ રૂપિયા ૪૫૦૦૦નું મળી કુલ રૂપિયા ૨,૮૦,૦૦૦ની મત્તા ચોરી ગયા હતા. આ બનાવની સવારે જાણ થતાં કપડવંજ ટાઉન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તસ્કરોનું પગેરૂં મેળવવા તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગે મનીષભાઈ ગોપાલભાઈ શાહની ફરિયાદ આધારે કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:02 pm IST)