Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

રાજ્ય સરકારે સૌની યોજના માટે બે વર્ષમાં ૩૨૦૦ કરોડ માંગ્યા, પરંતુ કેન્‍દ્ર સરકારે એક ફદીયુ પણ ન આપ્યુ

ગાંધીનગરઃ રાજ્યને પાણી-પાણી કરી દેવા માટે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પેટ પ્રોજેક્ટ ગણાતીસૌની યોજનામાટે મોદી પીએમ બન્યા પછી પણ કેન્દ્ર સરકાર પાસે પૈસા નથી. તાજેતરમાં વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન આપવામાં આવેલ એક લેખિત જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે રુપાણી સરકારે પાછલા 2 વર્ષમાં સૌની યોજના માટે અલગ અલગ તબક્કે રુ.3200 કરોડની માંગણી કરી છે. જોકે માગણીમાંથી હજુ સુધી કેન્દ્ર તરફથી એક પણ પૈસો મળ્યો નથી.

કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયા દ્વારા પૂછવામાં આવેલ સવાલા જવાબમાં રાજ્યના જળસંસાધન પ્રધાને લેખીત જવાબ આપતા કહ્યું કે, ‘ઓક્ટોબર 2016થી ડિસેમ્બર 2017 સુધીમાં રાજ્ય સરકારે સૌની યોજના માટે કેન્દ્ર પાસેથી રુ.3200 કરોડ માંગ્યા હતા.’ જે પૈકી હજુ સુધી એકપણ રુપિયો રાજ્યને મળ્યો નથી. ‘જોકે પ્રધાને કહ્યું કે રાજ્યની પ્રોપોઝલ કેન્દ્ર સરકારમાં હાલ સ્ક્રુટીની અંતર્ગત હોઈ ફંડ મળવાનો કે મળવાનો મુદ્દો હજુ સુધી ઉઠ્યો નથી.’

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય જળ બોર્ડના એક્સટર્નલ આસિ. કમિશનર દ્વારા પહેલા પણ સૌની યોજનાના કેટલાક ટેક્નિકલ પોઇન્ટ અંગે સવાલ ઉઠાવ્યા હતા. ગુજરાત સરકારે કેન્દ્રના AIPB(એક્સિલેરેટેડ ઈરીગેશન બેનિફિટ્સ પ્રોગ્રામ) હેઠળ સૌની યોજના માટે 6,399 કરોડ રુપિયાની માગણી કરી હતી. જેના પર કેન્દ્રની ટેક્નિકલ ઓથોરિટી સેન્ટ્રલ વોટર કમિશને સૌની યોજના પ્રોજેક્ટની ફીઝિબિલિટી અંગે અનેક સવાલ ઉઠાવીને નેગેટિવ ઓપિનિયન આપ્યો હતો.

નોંધનીય છે કે સપ્ટેમ્બર 2012માં તત્કાલિન મુખ્યમંત્રી મોદી દ્વારા રાજ્ય વિધાનસબા ચૂંટણીના થોડા સમય પહેલા સૌની યોજના પ્રજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. યોજના અંતરગત પાણીની અછત ધરાવતા 7 જિલ્લાના કુલ 115 ડેમને નર્મદાના નીરથી ભરવાની રાજ્ય સરકારે નેમ લીધી હતી. જે માટે 115 કિમીની લિંક પાઇપલાઇન પણ રાજ્યના તમામ વિસ્તારોમાં વિછાવવાનો પ્લાન રજૂ કર્યો હતો. 2012માં યોજના જાહેર કરતા વખતે અંદાજીત ખર્ચ રુ. 10000 કરોડ આંકવામાં આવ્યો હતો. જોકે રાજ્ય સરકારે સમગ્ર યોજનાનો ખર્ચ રીવાઇઝ્ડ કરીને રુ.18000 કરોડ નક્કી જાહેર કર્યો છે.

(5:19 pm IST)