Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ગુજરાતમાં વધુ એક એરબેઝઃ કેન્દ્રની ડીસા માટે મંજૂરી

ગાંધીનગર તા. ૨૩ : ભારતીય વાયુસેનાની લાંબા સમયથી વિલંબિત એક યોજનાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. આ યોજના હેઠળ ભારતીય વાયુસેના પાકિસ્તાનની સાથે લાગેલી સરહદ પર ઉત્ત્।ર-પૂર્વમાં આવેલા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પોતાને એરબેઝ બનાવે તેવી શકયતા છે. વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી કેબિનેટ કમિટી ઓન સિકયુરિટીએ બુધવારે આના સંદર્ભે મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ નામ ઉજાગર નહીં કરવાની શરતે મીડિયા અહેવાલમાં જણાવ્યુ છે કે સીસીએસએ શરૂઆતમાં રન-વેનો વિસ્તાર, યુદ્ઘવિમાનો માટે હેન્ગર અને વહીવટીય સુવિધાઓ માટે એક હજાર કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપી છે. અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ ડીસા એરપોર્ટના નાના રનવેને હજાર મીટરમાં બદલવાનો પ્રસ્તાવ ઘણાં સમય પહેલા આપવામાં આવ્યો હતો. પરંતુ આ ફાઈલ અટવાઈ ગઈ હતી. આ એરપોર્ટ માત્ર હેલિકોપ્ટર લેન્ડિંગ અને વીવીઆઈપીના આવાગમનના ઉપયોગમાં જ લેવામાં આવતું હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ એરબેસ માટે ચાર હજાર એકર જમીનનું સંપાદન લગભગ બે દશકા પહેલા જ કરી લેવામાં આવ્યું હતું. તેમ છતાં આ યોજના અત્યાર સુધી વિલંબિત રહી હતી. આ એરબેસ બાડમેર અને ભુજ એરબેસ વચ્ચેની ગેપ ભરવાની સાથે સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.  સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે લાંબા સમયથી મંજૂરી માટે રાહ જોઈ રહેલા આ પ્રસ્તાવને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે આગળ વધાર્યો હતો. હજી સુધી એ જણાવવામાં આવ્યું નથી કે આ એરબેસ પર કોઈપણ પ્રકારના યુદ્ઘવિમાનોની તેનાતી થઈ શકશે. આ એરબેસ કોઈપણ ઈમરજન્સીનો સામનો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે સક્ષમ હશે.(૨૧.૩૫)

 

(4:20 pm IST)