Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ગુજરાત વિદ્યુત બોર્ડના ગ્રાહકોના વીજ બિલમાં ૧૦૦ રૂ.નો વધારો?

નવી દિલ્હી તા. ૨૩ : અદાણી અને એસ્સાર પાવરે કરાર હેઠળ વીજ સપ્લાય કરવાનો બંધ કરી દેતા ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને સુરત સિવાયના વીજ વપરાશકારોને માથે જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૮ના ત્રિમાસિક ગાળાના વીજવપરાશના બિલમાં વીજયુનિટ દીઠ રૂ ૩૭થી વધુ પૈસાનો બોજ આવશે. વીજ વપરાશકારો પાસેથી એફપીપીપીએ પેટે યુનિટદીઠ રૂ. ૧.૬૩ અત્યારે લેવાય છે, તે આગામી મહિનાઓમાં વધીને રૂ. ૨ થી વધી જવાની સંભાવના છે.

રહેણાંકનું વીજ જોડાણ ધરાવનારાઓનો માસિક ૨૦૦ યુનિટનો વપરાશ હશે તો બિલમાં રૂ. ૮૦થી ૧૦૦ વધુ ચૂકવવા પડશે. અદાણી અને એસ્સાર પાવર પાસેથી યુનિટદીઠ રૂ. ૨.૫૦ના સરેરાશ ભાવથી પણ ઓછા ભાવે મળી શકે તેવી વીજળીને બદલે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે રૂ.૪.૨૫ના યુનિટદીઠ ભાવે વીજળી ખરીદવી પડી રહી છે. અત્યારે ગુજરાતની વીજ કંપનીઓ રોજના ૨૫૦૦ મેગાવોટથી વધુ વીજળી ઇન્ડિયન પાવર એકસચેન્જમાંથી ખરીદી રહી છે. તેથી એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠળ વીજ વપરાશકારોએ યુનિટદીઠ વીજ ખરીદી પેટે ૩૭ પૈસાથી વધુના વધારાનો બોજ ઝેલવો પડશે.

પરિણામે ગુજરાતના વીજ વપરાશકારોને માથે રોજના રૂ.૮ કરોડનો અને મહિને રૂ ઙ્ગ૨૪૦ કરોડનો બોજ આવશે. આજ ગણતરીને આગળ વધારવામાં આવે તો વાર્ષિક બોજ રૂ ઙ્ગ૨૮૦૦ કરોડથી વધુનો આવી શકે છે. અદાણી પાવરે ગુજરાત સરકાર સાથે કરાર કરીને યુનિટદીઠ રૂ.૨.૩૫ના ભાવે ૧૦૦૦ મેગાવોટ અને રૂ. ૨.૮૯ના યુનિટદીઠ ભાવે ૧૦૦૦ મેગાવોટ વીજળી ૨૫ વર્ષ સુધી આપવાના કરાર કર્યા હતા, પરંતુ થોડા સમય બાદ આ કરાર પ્રમાણે વીજપુરવઠો તેઓ આપી શકે તેમ જ ન હોવાનું જણાવીને કરારનું પાલન કરવાની ના પાડી દીધી હતી. આ જ રીતે એસ્સાર પાવરે પણ કરારનો ભંગ કર્યો છે. તેમ જ યુનિટદીઠ રૂ. ૨.૯૦નો ભાવ આપવાની માગણી કરી હતી.

(4:05 pm IST)