Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

જયાં સુધી કમિટી નક્કી ન કરે ત્યા સુધી શાળાઓ કહે તેટલી ફી ભરવી પડશેઃ ભુપેન્દ્રસિંહ ચુડાસમાના નિવેદનથી વાલીઓમાં દેકારો

ગાંધીનગરઃ ફી અધિનિયમ બાદ રાજય સરકાર દ્વારા તેનો કડક અમલ કરાવવા પગલા ભરવાના આદેશ બાદ આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યુ છે કે જયાં સુધી કમિટી નક્કી ન કરે ત્યા સુધી શાળાઓ કહે તેટલી ફી ભરવી પડશે આ નિવેદનથી વાલીઓમા રોષ ફેલાયો છે

રાજ્ય સરકારે પ્રાથમિક સ્કૂલો માટે મહત્તમ 15 હજાર અને માધ્યમિક સ્કૂલો માટે મહત્તમ 25 હજાર ફીનું ધોરણ નક્કી કર્યું હતું. તેને હાઈકોર્ટે પણ મહદઅંશે મંજૂર રાખ્યું હતું. પણ, તે પછી સરકારે વાહવાહી લૂંટવા ફીના નક્કી કરાયેલા ધોરણો દર્શાવતા મોટા-મોટા હોર્ડિંગ્સો પણ ઠેર-ઠેર લગાવ્યા હતા. જોકે, તેમ છતાં ઘણી શાળાઓએ ફી ઘટાડવાનો નનૈયો ભણી દીધો હતો અને સરકારના આ નિર્ણયને પડકાર્યો હતો. સરકારે ફીનું ધોરણ નક્કી કરવા રચેલી કમિટી સમક્ષ પણ ઘણી શાળાઓએ જવાનું ટાળ્યું હતું અને પોતાની મનમાની ચાલુ રાખી હતી.

એટલું જ નહીં, ઘણી સ્કૂલો તો કમરતોડ ફી ભરવા વાલીઓ પર રીતસરનું દબાણ પણ કરી રહી છે. વિદ્યાર્થીઓની ડાયરીમાં નોટિસ લખીને ફી ભરવા જણાવાઈ રહ્યું છે. ફીના ભરે તો પરિણામ રોકી દેવા સુધીની ચીમકી પણ કેટલીક સ્કૂલો આપી રહી છે. આ બધાની વચ્ચે વાલીઓને સરકાર તરફથી ઘણી આશા હતી. વિધાનસભાની ચૂંટણી સમયે તો એવું વાતાવરણ સર્જી દેવાયું હતું કે, જાણે ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવતી સ્કૂલો પર સરકાર તાત્કાલિક જ લગામ લગાવી દેશે, પણ એવું કંઈ જ ન થયું. નવી સરકાર રચાઈ ગઈ અને પછી આખા મુદ્દાને એક કે બીજા બહાને લંબાવાતો રહ્યો. આખરે જ્યારે સ્કૂલોનું સત્ર પુરું થવા પર છે અને વેકેશન પડવાની તૈયારી છે ત્યારે જ વાલીઓની આશા પર પાણી ફેરવતા સરકારે કહી દીધું કે, હાલ તો સ્કૂલો કહે તેટલી ફી ભરવી જ પડશે.

આમ, સરકારના આ વલણથી વાલીઓ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની લાગણી અનુભવી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે, આગામી દિવસોમાં સરકારના આ નિવેદનના ઉગ્ર પ્રત્યાઘાતો પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. તેમના કહેવા મુજબ, હવે થોડા દિવસોમાં જ વેકેશન પડવાનું છે એટલે કદાચ સરકાર એવું વિચારી રહી છે કે, વેકેશનના દોઢ એક મહિના પૂરતો આ મુદ્દો પાછો ઠેલાઈ જાય અને વેકેશન ખૂલે તે પછી સ્કૂલો રેગ્યુલર થવામાં એકાદ મહિનો લાગતો હોય છે, એટલે ફીનો મુદ્દો ત્યાં સુધી તો ઠેલાઈ જશે અને એ પછી પાછી કાયદકીય દાવપેચ શરૂ થાય, એટલે સરવાળે તો વાલીઓએ સ્કૂલો કહે તેટલી ફી ભર્યા વિના છૂટકો જ નથી અને આ વાત સ્કૂલો પણ ઘણી સારી રીતે જાણે છે. વળી, હકીકત તો એ પણ છે કે, ઘણી ખાનગી સ્કૂલોમાં રાજકારણીઓ પોતે પણ આડકતરી રીતે ભાગીદાર હોય છે, એટલે તેઓ પણ નથી ઈચ્છતા કે ફીના મુદ્દે સરકાર કોઈ કડક વલણ અપનાવે. આમ, હાલમાં તો સરકાર અને સ્કૂલો વચ્ચે વાલીઓ પીસાઈ રહ્યા છે.

(9:36 am IST)