Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

વડોદરામાં નવા કોર્ટ સંકૂલમાં વકીલો માટે યોગ્ય બેઠક સામે રોષ યથાવતઃ વકીલો સતત ચોથા દિવસે કોર્ટ કાર્યવાહીથી અલિપ્તઃ માનવ સાંકળ રચીને વિરોધ

વડોદરાઃ વકીલોની અચોક્કસ મુદતની હડતાલનો આજે ચોથો દિવસ છે. વકીલો આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહ્યાં છે. દરમિયાન આજે વકીલોએ મોટી સંખ્યામાં માનવ સાંકળ રચીને વિરોધ નોંધાવ્યો હતો. વડોદરાની કોર્ટમાં વકીલોને બેસવા માટેની જગ્યા ફાળવવાને મામલે વકીલો હડતાલ પર છે.

નવા કોર્ટ સંકુલમાં વકીલો માટે યોગ્ય બેઠક વ્યવસ્થાની માંગણીને લઈને ઉપવાસ આંદોલન પર ઉતરી ગયાં છે. વકીલોના આમરણાંત ઉપવાસનો ચોથો દિવસ છે. વકીલો સતત ચોથે દિવસે પણ કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યાં હતા. મોટી સંખ્યામાં માનવ સાંકળ રચીને વિરોધ દર્શાવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે વડોદરામાં નવી કોર્ટમાં વકીલોને ટેબલ મૂકવા દેવાતા વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં, પોલીસે લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. વડોદરામાં રૂ. 160 કરોડના ખર્ચે નવી કોર્ટ બનાવવામાં આવી છે. તેનું ચાર દિવસ પહેલાંજ ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. જેના ઉદ્ધાટન સમારંભમાં મુખ્ય ન્યાયાધિશ દ્વારા તમામ માટે સગવડ હોવાનું જણાવાયા બાદ વકીલોને કોર્ટ સંકુલમાં જગ્યા ફાળવણી હજી સુધી કરવામાં આવી નથી. વકીલો દ્વારા ટેબલ મુકવામાં આવતા પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. ઘટનાના ઘેરાં પ્રત્યાધાત પડ્યાં હતા. વડોદરાના વકીલોની તરફેણમાં સુરતમાં પણ એક દિવસ વકીલો કામકાજથી અળગાં રહ્યાં હતા. ગુજરાત હાઈકોર્ટમાંથી પણ ખાસ વ્યક્તિને દોડાવવામાં આવ્યા હતા. જો કે વકીલોનો પ્રશ્ન હજી જેમનો તેમ હોવાને પગલે વકીલોની હડતાલ ચાલું છે. તેઓ આમરણાંત ઉપવાસ આંદોલન પર ઉતરી ગયા છે. આજે સતત ચોથે દિવસે પણ તેમણે વિરોધ દર્શાવ્યો હતો.

(5:26 pm IST)