Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

મનપા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં પડ્યાં ધડાધડ રાજીનામા

રાજકોટ, ભાવનગર , સુરતમાં શહેર પ્રમુખે રાજીનામાં આપ્યા

અમદાવાદ : રાજકોટ મનપાની ચૂંટણીઓમાં કોંગ્રેસનો રકાસ થયો છે. મહાનગર પાલિકામાંથી કોંગ્રેસ વિપક્ષ પદેથી આઉટ થઈ છે. વિપક્ષ તરીકે બેસવા 10 ટકા બેઠકો મેળવવી જરૂરી છે. જ્યારે રાજકોટમાં કોંગ્રેસને માત્ર 4 બેઠક મળી છે.

બીજી તરફો કોંગ્રેસના શહેર પ્રમુખ અશોક ડાંગરે રાજીનામું ધરી દીધું છે. સવારથી મુખ્યમંત્રીના ગઢ રાજકોટમાં ભાજપ તમામ બેઠક પર આગળ જ ચાલી રહી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર સૌ કોઈની નજર હતી. જો કે, રાજકોટમાં AAPની એક પણ બેઠક આવી નથી.

ભાવનગરમાં ભાજપે ઈતિહાસ સર્જયો છે. ભાજપે મનપામાં સૌથી વધુ બેઠક જીતવાનો ઈતિહાસ પોતાના નામે લખાવ્યો છે. 2021માં ભાજપે 44 બેઠક મેળવી છે. 2010માં પણ સૌથી વધુ ભાજપે 41 બેઠક જીતી હતી. ભાવનગરમાં કુલ બેઠક 52 છે. જેમાંથી 8 બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. કોંગ્રેસની કારમી હાર બાદ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ રાજીનામું આપી દીધું છે.

વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના વિજેતા ઉમેદવાર કલ્પેશ પટેલે પોતાની જીતની ખુશી વ્યક્ત કરી હતી. અને તેમણે જણાવ્યુ હતું કે આ સુદર્શન ચક્ર ફરી વળી વળ્યુ છે. અને વર્ષોથી કુટનીતી કરતા લોકોની હાર થઇ છે. અને સી. આર પાટીલ અને પેજ કમીટનું બ્રમાસ્ત્ર વાગી ગયું છે

સુરતમાં પણ કોંગ્રેસના હાથમાં લોકોએ તાળી આપી દીધી છે. જે બાદ શહેર પ્રમુખ બાબુભાઈ રાયકાએ રાજીનામું ધરી દીધું છે. સુરતમાં AAPના 27 ઉમેદવારોએ બાજી મારી છે. તો ભાજપના 93 ઉમેદાવારોની જીત સાથે સુરત મનપામાં ફરી ભાજપનું શાસન આવ્યું છે.

(12:16 am IST)