Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રાજ્યની તમામ છ મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભાજપનો કબજો

રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભગવા લહેર : કોંગ્રેસના સૂપડાં સાફ, આપની સુરત થકી રાજ્યમાં એન્ટ્રી, બધી કોર્પોરેશનમાં ભાજપની સ્પષ્ટ બહુમતી, કોંગ્રેસના કેટલાક શહેર પ્રમુખોના રાજીનામા

ગાંધીનગર, તા. ૨૩ : રાજ્યની તમામ છ મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાયેલી ચૂંટણીમાં ભગવા લહેર જોવા મળી છે. ભારતીય જનતા પક્ષે તમામ છ કોર્પોરેશન પર જંગી બહુમતી સાથે કબજો મેળવી લીધો છે. રાજ્યના સૌથી મોટો વિરોધ પક્ષેને આ ચૂંટણીમાં સૌથી મોટો આંચકો લાગ્યો છે. છ મ્યુનિસિપાલીટીમાં પક્ષનો કારમો પરાજય તો થયો જ છે પણ તેની સ્થિતિ અગાઉની ચૂંટણી કરતા વધુ કથડી હોવાનું જણાય છે. અમદાવાદ શહેરમાં ભાજપને છેલ્લી માહિતી સુધીમાં ૧૬૫ અને કોંગ્રેસને ૧૫ તથા અન્યોને આઠ બેઠક મળી છે. સુરતમાં તકો કોંગ્રેસ તેનું ખાતું પણ ખોલાવી શકી નથી. સુરતમાં ૧૨૦ બેઠકોમાંથી ૯૩ ભાજપને અને ૨૭ બેઠક આપને મળી છે. આ સાથે આપે રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. કોંગ્રેસના કંગાળ દેખાવને પગલે છ શહેરોના પ્રમુખોએ રાજીમાના ધરી દીધા હોવાનું જાણવા મળ્યું છે.

મળતા અહેવાલો અનુસાર વડોદરામાં ૭૬માંથી ૬૧ ભાજપ અને સાત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થયા છે. રાજકોટમાં ૭૨ બેઠકોમાંથી ૬૮ ભાજપને અને ચાર બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. ભાવનગરમાં પણ ભાજપે ૫૨માંથી ૪૪ બેઠકો પર કબજો જમાવ્યો છે જ્યારે કોંગ્રેસને માત્ર ચાર બેઠકો મળી છે. જામનગરમાં ૬૪ બેઠકો પૈકીની ભાજપને ૫૦ કોંગ્રેસને ૧૧ અને અન્યોના ફાળે ત્રણ બેઠક ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૫ની ચૂંટણીમાં ભાજપને અમદાવાદમાં ૧૪૩, સુરતમાં ૭૯, વડોદરામાં ૫૭, રાજકોટમાં ૩૮ અને ૩૪ બિનહરીફ બેઠકો મળી હતી, જામનગરમાં ૩૮ અને ભાવનગરમાં ૩૪ તથા ૧૮ બેઠક બિનહરીફ થઈ હતી. કોંગ્રેસને ગત ચૂંટણીમાં અમદાવાદમાં ૪૮, સુરતમાં ૩૬, વડોદરામાં ૧૪, જામનગરમાં ૨૪ તથા રાજકોટ અને ભાવનગરમાં એક પણ બેઠક મળી નહતી.

ગુજરાતની છ મહનગરપાલિકાની ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યાં છે, ત્યારે રાજકોટમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી છે. અહીં ભાજપે ૬૮ બેઠકો પર કબજો જમાવ્યો છે. જ્યારે કોંગ્રેસ માત્ર ચાર બેઠક પર જ જીત હાંસલ કરી શકી.  રાજકોટમાં ભાજપના શાનદાર પ્રદર્શનને જોતાં કાર્યકરો ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યાં છે. અહીં કાર્યકર્તાઓ વિજયની ખુશી મનાવી રહ્યાં છે. બીજી બાજુ, કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. વર્ષ ૨૦૧૫ની ચૂંટણીમાં કોંગ્રેસના ખાતામાં ૩૪ બેઠકો આવી હતી, પરંતુ આ વખતે તે માત્ર ચાર બેઠક પર જ વિજય મેળવી શક્યું છે.

રાજકોટના કોંગ્રેસના શહેર પ્રમુખે હારનો સ્વીકાર કર્યો છે. અશોક ડાંગરે કહ્યું કે, આ પ્રજાનો નિર્ણય છે જેને માથે ચડાવું છું. સાથે જ તેમણે પોલીસ અને તંત્ર પર આરોપ મૂક્તાં કહ્યું કે, ચૂંટણી દરમિયાન તંત્ર અને પોલીસનો દુરુપયોગ થયો છે. પોલીસે ભાજપના એજન્ટ બનીને કામ કર્યું છે. જ્યારે તમામ પાસાઓને જોતાં આગળની રણનીતિ ઘડવામાં આવશે.

જામગનર મહાનગરપાલિકાના કુલ ૬૪  બેઠકોના પરિણામ સામે આવ્યા છે જેમાં ભાજપનો ૫૦ બેઠકો સાથે જ્વલંત વિજય થયો છે. કોંગ્રેસે ૧૧ બેઠક જીતી છે તો બસપાના ૩ ઉમેદવારો પણ જીતવામાં સફળ રહ્યા છે. જો કે, આમ આદમી પાર્ટીનો જાદુ સૌરાષ્ટ્રમાં નહીં ચાલતા જામનગરમાં તેનું ખાતું ખુલ્યું નથી. વોર્ડ નંબર -૫ તથા ૯માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે. તો વોર્ડ ૨,૩,૫,૭,૮,૯,૧૦,૧૧,૧૩,૧૪ તથા ૧૬ વોર્ડમાં ભાજપનો વિજય થયો છે જો કે, વોર્ડ નંબર ૧૩માં ભાજપના ૩ તથા કોંગ્રેસના ૧ ઉમેદવારની જીત થઇ છે. આ સાથે જ, એક અપસેટ વોર્ડ નંબર ૬માં સર્જાયો હતો જેમાં બીએસપીના ૩ તથા ભાજપના ૧ ઉમેદવારની જીત થઇ હતી.

(9:32 pm IST)