Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

આપ-એઆઈએમઆઈએમ કોંગ્રેસને નડ્યા, ભાજપને ફળ્યા

રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી : એઆઈએમઆઈએમ અને આપ અમદાવાદમાં એકેય બેઠક જીતી નથી શક્યા, કોંગ્રેસને પણ જોરદાર નુકસાન

અમદાવાદ, તા. ૨૩ : રાજ્યમાં ૨૦૨૨માં યોજાનારી વિધાનસભા ચૂંટણીની સેમિફાઈનલ મનાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પહેલા તબક્કાના પરિણામ લગભગ જાહેર થઈ ચૂક્યા છે. જેમાં છ મહાનગરોમાં ફરી ભગવો લહેરાવાનો છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં રવિવારે થયેલી ચૂંટણીમાં આ વખતે માત્ર ભાજપ અને કોંગ્રેસ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમ પણ મેદાનમાં હતાં.

પહેલીવાર રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલા ચતુષ્કોણિય જંગમાં નવી બે પાર્ટીઓ આપ અને એઆઈએમઆઈએમના આગમનનો કોને ફાયદો થશે, અને કોને નુક્સાન થશે તેની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. વળી, મતદાન ધાર્યા કરતાં ઘણું ઓછું થવાના કારણે પણ ચતુષ્કોણિય જંગનો ફાયદો ભાજપને મળશે કે કોંગ્રેસને તેને લગતી અટકળો પણ લોકો કરી રહ્યા હતા. જોકે, આજે જાહેર થઈ રહેલા પરિણામમાં એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે આપ અને એઆઈએમઆઈએમ કોંગ્રેસને નડી ગયા છે.

એઆઈએમઆઈએમ અને આમ આદમી પાર્ટી અમદાવાદમાં એકેય બેઠક જીતી નથી શક્યા, પરંતુ આ વખતની ચૂંટણીમાં અમદાવાદમાં કોંગ્રેસની બેઠકો ચોક્કસ ઘટી ગઈ છે. વળી, લઘુમતી વિસ્તારોને બાદ કરતાં પૂર્વના જે વિસ્તારો કોંગ્રેસનો મજબૂત ગઢ મનાતા હતા ત્યાં પણ કોંગ્રેસના ઉમેદવારો હારી ગયા છે. એટલું જ નહીં, ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની જીતની પૂરી શક્યતા હોવા છતાંય ત્યાં પણ તેની હાર થઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે, અમદાવાદમાં કોંગ્રેસના કંગાળ પ્રદર્શન પાછળ આપ અને એઆઈએમઆઈએમના કારણે તૂટેલા વોટ જવાબદાર હોઈ શકે છે.

સુરતમાં પહેલીવાર કોર્પોરેશનની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ જ્વલંત પ્રદર્શન કરતાં ૨૩ જેટલી બેઠકો પર વિજય પ્રાપ્ત કરી છે, જ્યારે કોંગ્રેસને એકેય બેઠક નથી મળી. જેનાથી સ્પષ્ટપણે જણાઈ આવે છે કે, આપને કારણે સુરતમાં કોંગ્રેસનો રકાસ થયો છે. સુરતની ૧૨૦ બેઠકોમાંથી આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ૮૪ બેઠકો પર ભાજપ અને ૨૩ બેઠકો પર આપની જીત થઈ છે.

૧૯૯૫ બાદ પહેલીવાર રાજકોટમાં કોંગ્રેસનો મોટો પરાજય થયો છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ રાજકોટમાં અત્યારસુધી વોર્ડ નં. ૧૫ને બાદ કરતાં ક્યાંય કોંગ્રેસના ઉમેદવાર જીતી શક્યા નથી. એટલું જ નહીં, આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમ પણ રાજકોટમાં ખાતું ખોલી શક્યા નથી. જોકે, આ બંને પક્ષોએ કોંગ્રેસના કેટલા મત તોડ્યા તે તો વોટિંગના ફાઈનલ આંકડા આવશે ત્યારે જ ખબર પડી શકશે.

(9:28 pm IST)