Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

વાપીના હરિયાપાર્ક પાસે ટ્રકના પાછલા વ્હીલમાં દંપતિ કચડાયુ

ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્ની બંનેના મોત : પતિ-પત્ની એકટીવા પર જઇ રહ્યા હતા ત્યારે જ ટર્નિંગમાં બેફામ સ્પીડે આવેલી ટ્રકે દંપતિનો ભોગ લીધો : અહેવાલ

અમદાવાદ, તા.૨૩ : વલસાડના વાપી પાસે હરિયાપાર્ક વિસ્તારમાં માંતેલા સાંઢની જેમ આવેલી ટ્રકે એકટીવા પર જઇ રહેલા દંપતિને  અડફેટે લેતાં બહુ દર્દનાક અકસ્માત સર્જાયો હતો. ટ્રકચાલકની ગંભીર બેદરકારીના કારણે આધેડ દંપતિ ટ્રકના પાછલા વ્હીલમાં આવી ગયુ હતુ અને પતિ-પત્ની બંનેના ગંભીર ઇજાઓ થવાના કારણે બંનેના ઘટનાસ્થળે મોત નીપજયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપી ટ્રકચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.

         અકસ્માતના બનાવની વિગત એવી છે કે, વલસાડ જિલ્લાના વાપી પાસે હરિયાપાર્ક વિસ્તારમાં એક દંપતિ એકટીવા સ્કુટર પર પોતાના કામે જઇ રહ્યું હતું ત્યારે એક સોસાયટી પાસેના ટર્નીંગમાંથી વળતી વખતે પૂરપાટઝડપે માંતેલા સાંઢની જેમ આવેલી ટ્રકના ચાલકે પોતાનું ભારે વાહન ગંભીર બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે હંકારી બેફામ સ્પીડમાં દંપતિના સ્કુટરને અડફેટે લીધુ હતુ, જેના કારણે એકટીવા જમીન પર પડી ગયુ હતુ અને પતિ-પત્ની બંને ટ્રકની પાછળના વ્હીલમાં કચડાઇ ગયા હતા.

          ટ્રકના મોટા અને ભારે વ્હીલ નીચે કચડાઇ જવાથી બંને પતિ-પત્નીના ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે રૂ મોત નીપજયા હતા. આઘાતજનક વાત તો હતી કે, દંપતિને ટ્રક નીચે કચડીને ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપી ટ્રકચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને સ્થાનિકોમાં અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

(9:36 pm IST)