Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ભારે કરી : 'નમસ્તે ટ્રમ્પ 'ભાજપના ચાર ધારાસભ્યના આમંત્રણ કાર્ડ વિપક્ષના નેતાના કાર્યાલયે પહોંચ્યા !!

ત્રણેય ધારાસભ્યોકોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલ : એક ભાજપના જ ધારાસભ્ય

અમેરિકા રાષ્ટ્રપતિ અમદાવાદમાં આવતા હોવાથી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે. ટ્રમ્પના આગમનને હવે ગણતરીના કલાકોની વાર છે ત્યારે સરકારી અધિકારી વધારે ઉત્સાહમાં ઉતાવળિયું કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે.

 એક અહેવાલ મુજબ ભાજપના ચાર ધારાસભ્યોના કાર્યક્રમમાં આવવાના આમંત્રણ આપતા કાર્ડ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના કાર્યાલય પર પહોંચ્યા છે. આ ચાર આમંત્રણ કાર્ડમાં ત્રણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય છે અને એક ભાજપના જ ધારાસભ્ય છે.

  રિપોર્ટ અનુસાર કોંગ્રેસમાંથી ભાજપના જોડાયેલા જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ, ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સબરીયા આ તમામ ભાજપના ધારાસભ્યોના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના આમંત્રણ કાર્ડ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના કાર્યાલય પર પહોંચ્યા છે. આ ત્રણેય ધારાસભ્યોએ લોકસભાની ચૂંટણી સમયે કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ તમામ ધારાસભ્યો ટ્રમ્પના કાર્યક્રમમાં જવા માટે આમંત્રણ કાર્ડની રાહ જોતા હશે પરંતુ અધિકારીઓની ભૂલના કારણે તેમના કાર્ડ વિપક્ષના નેતાની ઓફીસ પર પહોંચી ગયા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ટ્રમ્પના આગમનાને લઇને તંત્ર દ્વારા તમામ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આમંત્રણ કાર્ડ વગર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં કોઈ પણ વ્યક્તિ કે, નેતાને પ્રવેશ આપવામાં આવશે નહીં. ત્યારે હવે અધિકારીઓની ભૂલના કારણે ભાજપના ચાર ધારાસભ્યોને કાર્ડ વિપક્ષના નેતાની કાર્યાલય પહોંચ્યા ત્યારે હવે આ ભૂલને અધિકારીઓ કેવી રીતે સુધારશે તે જોવાનું બાકી રહે છે

(8:35 pm IST)