Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

સસ્પેન્સ વચ્ચે ગાંધીઆશ્રમ સજ્જ : રસ્તા ઉપર બેરિકેડ

ગાંધી આશ્રમ તરફ દોરી જતા માર્ગો વધુ વ્યવસ્થિત : ગાંધીઆશ્રમ તરફ દોરી જતાં માર્ગો ઉપર મોટા હોર્ડિંગ્સ

અમદાવાદ,તા.૨૨ : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત દરમ્યાન મોટેરા સ્ટેડિયમના નમસ્તે કાર્યક્રમ સિવાય ગાંધીઆશ્રમની મુલાકાત અંગે હજુ પણ દ્વિધાભરી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે છેલ્લી ઘડીયે જો ટ્રમ્પની ગાંધીઆશ્રમની મુલાકાત નક્કી થાય તો તેવા સંજોગોને પહોંચી વળવા પણ ગાંધી આશ્રમમાં તમામ પ્રકારની તૈયારીઓ અને આયોજન સજ્જ રખાયા છે. આશ્રમમાં આ અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.  અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તા.૨૪મી ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઇને એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગાંધી આશ્રમની મુલાકાત ટ્રમ્પ લેવાના છે કે નહીં તેની હજી સુધી કોઇ પુષ્ટિ થઇ નથી પરંતુ તેમની ગાંધીઆશ્રમની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને ગાંધી આશ્રમમાં તૈયારીઓનો ધમધમાટ હજુ પણ ચાલુ છે.

        આશ્રમમાં જે-જે સ્થળ ટ્રમ્પને દર્શાવવામાં આવી રહ્યાં છે ત્યાં જરૂરી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તા.૨૪મી ફેબ્રુઆરીના કાર્યક્રમમાં તેમના સ્વાગત માટે રોડ શો અને અભિવાદન સમારંભ માટે મોટેરા સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ ગાંધી આશ્રમ જશે કે નહીં તે અંગે નિર્ણય વ્હાઇટ હાઉસ કરશે. આ મુલાકાતના વિદેશમંત્રાલયે જાહેર કરેલા કાર્યક્રમમાં ગાંધીઆશ્રમની મુલાકાતનો કોઈ ઉલ્લેખ ભલે ન હોય, પરંતુ રાજ્યસરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીઆશ્રમમાં તડામાર તૈયારી ચાલી રહી છે. જેમાં સ્ટેજ બનાવવાથી લઈ ફ્લેગ લગાવવા સુધીની કામગીરી ચાલી રહી છે.

        જો કે પહેલા જે રીતે ઝડપથી અને  કેટલીક જગ્યા પર તૈયારીઓ કરવામાં આવી રહી હતી, તેના કરતા ઓછી તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલ ગાંધીઆશ્રમમાં પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આશ્રમમાં આવનાર તમામ લોકોનું સઘન ચેકિંગ કરીને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ તૈયારીઓ જોતા સંભવત છેલ્લી ઘડીએ ટ્રમ્પ અને મોદી ગાંધીઆશ્રમની મુલાકાત લે તેવી પુરી શક્યતા લાગી રહી છે. આ ઉપરાંત પોલીસે પણ ટ્રમ્પ અને મોદીના રોડ શોનું ગાંધીઆશ્રમ સુધી રિહર્સલ કર્યું હતું. ગાંધીઆશ્રમ અને રૂટ પર આઇપીએસ અધિકારીઓથી લઈ ૫૦૦ પોલીસકર્મીઓ તૈનાત રહેશે.

       પોલીસ દ્વારા આજથી જ સુભાષબ્રીજથી આશ્રમ સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જો કે પોલીસ બેડામાં પણ ટ્રમ્પ અને મોદી ગાંધીઆશ્રમની મુલાકાત લેશે કે કેમ તેને લઈને ભારે અસમંજસતા પ્રવર્તી રહી છે. અમ્યુકો, સરકાર કે તંત્ર દ્વારા પણ આ અંગેની કોઇ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

(8:46 pm IST)