Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

તાપી જિલ્લામાં બુટલેગરો બેફામ : રેડ કરવા ગયેલી પોલીસ કોન્સ્ટેબલને ગાડી સહીત જીવતો સળગાવ્યો: આબાદ બચાવ

તાપી જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે બુટલેગરોએ રેડ કરવા ગયેલા એક બુટલેગરને જીવતો સળગાવ્યો હતો. બુટલેગરોએ પેટ્રોલ છાંટી ગાડીને પણ સળગાવી હતી. સદ્દનસીબે કોન્સ્ટેબલનો જીવ બચી ગયો હતો અને ઈજાગ્રસ્ત પોલીસકર્મીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો.

 મળતી માહિતી પ્રમાણે, તાપી જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે.  સોનગઢના મચાલીમાં એક ગેરકાયદેસર રીતે ચાલી રહેલા દારૂના બુટલેગરના ત્યાં બાતમીના આધારે પોલીસ કોન્સ્ટેબલની સાથે ડીવાયએસપીની ટીમ ગઈ હતી. બુટલેગરના ત્યાં ડીવાયએસપીની ટીમ આવેલી જોઈને તેઓ ભડક્યા હતા અને બુટલેગરોએ પેટ્રોલ છાંટી ગાડી સાથે કોન્સ્ટેબલને સળગાવ્યો હતો. આ ઘટનામાં ભોગ બનનાર પોલીસ કોન્સ્ટેબલનું નામ પોકો પ્રભાત લક્ષ્‍મણભાઈ બારીયા હોવાનું જાણવા મળે છે.

સોનગઢના મચાલીમાં બુટલેગર મૂળજી સેમડિયાએ પોલીસ કોન્સ્ટેબલ પોકો પ્રભાત લક્ષ્‍મણભાઈ બારીયા પર પેટ્રોલ છાંટીને ગાડી સહિત સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે વેગન આર ગાડી લઇને પંચો સાથે પોલીસ કોન્સ્ટેબલ પોકો પ્રભાત લક્ષ્‍મણભાઈ બારીયા રેડ કરવા ગયા હતા. આ ઘટના બાદ તાત્કાલિક પોલીસ કોન્સ્ટેબલને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તાપી પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તેની કાર્યવાહી શરૂ કરી છે.

આ ઘટના બાદ તાપી જિલ્લાના લોકોમાં ડરનો માહોલ બનેલો છે. બુટલેગરોને લઈને સામાન્ય લોકો તેમના વિશે માહિતી આપતા પણ ડરી રહ્યા છે. બસ તમામના મનમાં એક જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું હવે બુટલેગરોને નથી ખાખીનો ડર? આ ડરને લોકોના મન પરથી હટાવવા માટે તાપી પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.

(12:49 am IST)