Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

આઇઓસી કાંડ : તપાસને લઇ મુખ્ય રોડના કામો પણ રોકાયા

પોલીસ તપાસથી કેટલાક ઇજનેર રજા પરઃ પોલીસ તપાસથી રોડના કામો રોકાયા નથી : તંત્રનો દાવો

અમદાવાદ, તા.૨૩: બે વર્ષ અગાઉ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા-વધતા અંશમાં નુકસાન થતાં સમગ્ર રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું રોડ કૌભાંડ ચર્ચાસ્પદ બન્યું હતું. તત્કાલીન કમિશનર દ્વારા આ મામલે વિજિલન્સ તપાસ કરાવાઇને કસૂરવાર કોન્ટ્રાક્ટરો અને ઇજનેરોને નોટિસ ફટકારવી સહિતનાં શિક્ષાત્મક પગલાં લેવાયાં હતાં. જ્યારે નવા પશ્ચિમ ઝોનમાં આઇઓસીનાં બોગસ બિલમાં તંત્રે પોલીસ ફરિયાદ કરી હતી. હવે પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરાતાં માંડ માંડ કંઇક અંશે પાટે ચઢેલી રોડનાં કામની ગતિ ખોરવાઇ છે. ખાસ કરીને મુખ્ય રોડનાં કામ પ્રભાવિત થયા છે. શહેરના મુખ્ય રોડના કામોની ગતિ અટકતાં નાગરિકોએ પણ સવાલો ઉઠાવ્યા છે ત્યારે અમ્યુકો સત્તાધીશોએ આ મામલે બચાવ કર્યો છે.

   ચાલુ નાણાકીય વર્ષમાં તંત્ર દ્વારા રૂ.૩૬૦ કરોડનાં રોડનાં કામ હાથ પર લેવાયાં હતાં. જો કે આગામી લોકસભાની ચૂંટણી પહેલાં શહેરનાં તમામ મુખ્ય રસ્તા તેમજ આંતરિક રસ્તાઓને ચકાચક કરવાની દિશામાં શાસકો આતુર બન્યા હતા. આ માટે શહેરમાં આશરે ૩.પપ લાખ મેટ્રિક ટનના રોડનાં કામને આગામી તા.૩૧ માર્ચ સુધીમાં પૂર્ણ કરી દેવાની બાબત પર ભાર મુકાયો હતો. પરંતુ રોડનાં કામમાં ગતિ ન આવવાના કારણે શાસકપક્ષ દ્વારા વહીવટી સત્તાવાળાઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરાઇ હતી. ત્યારબાદ શહેરમાં દરરોજનું ૩ર૦૦ મેટ્રિક ટન રોડનું કામ થવા લાગતા કંઇક અંશે ગાડી પાટા પર ચઢી હતી. ત્યારે આઇઓસી બોગસ બિલ કૌભાંડમાં પોલીસ તપાસથી કેટલાક ઇજનેર રજા પર ઊતરતાં તેમાં મોટી બ્રેક લાગી છે. આમ પણ આગામી તા.૧૦ માર્ચથી હોળી નિમિત્તે મજૂરો વતન ભણી રવાના થવાનાં હોઇ રોડનાં કામ ખોરવાવાનાં હતાં, પરંતુ તે પહેલાં જ આઇઓસી બિલની પોલીસ તપાસથી રોડનાં કામ પ્રભાવિત થયાં છે.

 જો કે રોડ પ્રોજેક્ટ વિભાગનો હવાલો સંભાળતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જયેશ જે. પ્રજાપતિને આ અંગે પૂછતાં તેમણે બચાવ કરતાં જણાવ્યું કે, પોલીસ તપાસથી તંત્ર કામગીરીને કોઇ અસર પડી નથી. આશરે ૭૦ ટકા કામગીરી પૂરી થઇ છે. દરમ્યાન ગ્યાસપુરમાં રૂ.૧૬૦ કરોડના ખર્ચે તંત્ર દ્વારા હોટમિક્સ પ્લાન્ટની નિર્માણને લઇને નવો વિવાદ ઊઠ્યો છે. આ પ્લાન્ટ સંબંધિત લેબર ટેન્ડરનાં હજુ સુધી ઠેકાણાં ન પડ્યાં હોઇ રોડનાં સામાન્ય પેચવર્કનાં કામો સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. કેટલાક વિસ્તારોમાં તો કોન્ટ્રાકટરો દ્વારા આડેધડ અને ઉતાવળે રોડ બનાવી દેવાયા હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે.

(9:34 pm IST)