Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ભાનુશાળી હત્યા કેસમાં બે રિવોલ્વર જપ્ત કરી લેવાઈ

વધુ એક આરોપી વિશાલ કાંબલેનું નામ ખૂલ્યું : શાર્પશૂટરોએ રિમાન્ડ દરમ્યાન કબૂલાત કરતાં નાસિકના દેવનાની કબ્રસ્તાન પાછળ સંતાડેલી રિવોલ્વર કબ્જે કરાઇ

અમદાવાદ,તા. ૨૩ : ચકચારભર્યા જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં તાજેતરમાં પકડાયેલા બંને શાર્પશૂટરની રિમાન્ડ દરમ્યાન હાથ ધરાયેલી પૂછપરછ અને કબૂલાતના આધારે હત્યાના ગુનામાં વપરાયેલી બે રિવોલ્વર સીટ દ્વારા કબજે કરવામાં આવી છે. તાજેતરમાં પકડાયેલા બે શાર્પશૂટરના પોલીસ રિમાન્ડ દરમ્યાન તેઓએ ભાનુશાળની હત્યાના કેસમાં ગુનામાં વપરાયેલી અને જેમાંથી ફાયરીંગ કરાયું હતું, તે રિવોલ્વર તેઓએ નાસિકમાં વાલદેવી નદી પાસે દેવનાની કબ્રસ્તાનની પાછળ છુપાવી હતી. રિમાન્ડ દરમ્યાન આરોપીઓની પૂછપરછમાં એવી હકીકત પણ સામે આવી હતી કે, આ સમગ્ર હત્યા કેસમાં વધુ એક આરોપી વિશાલ કાંબલેનું નામ ખૂલ્યું છે. જો કે, તે એક ગુનામાં યરવડા જેલમાં હોઇ પોલીસે હવે  ટ્રાન્સફર વોરંટના આધારે યરવડા જેલમાંથી તેનો કબ્જો મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભાનુશાળી હત્યા કેસમાં આમ, કુલ પાંચ ધરપકડ થઇ છે.  પાંચ દિવસ પહેલાં જ પોલીસે બાતમીના આધારે સાપુતારા ખાતેના એક ગેસ્ટહાઉસમાંથી પૂણેના બે શાર્પશૂટરો શશીકાંત કાંબલે અને અશરફ શેખને ઝડપી લીધા હતા. તેમની પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, જયંતિ ભાનુશાળીના રાજકીય દુશ્મન છબીલ પટેલે તેમની હત્યા માટે રૃ.૩૦ લાખની સોપારી આપી હતી. તેના ભાગરૃપે જયંતિ ભાનુશાળીની હત્યા માટે તેઓ તા.૨૭મી ડિસેમ્બરે અમદાવાદ આવ્યા હતા અને ભાનુશાળીની ગતિવિધિઓ પર નજર રાખવા બંને છબીલ પટેલના ફાર્મ હાઉસ પર રોકાયા હતા. તપાસમાં એવી વિગતો પણ ખુલી હતી કે, ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કરનાર બે શાર્પ શૂટરોએ ભચાઉ સ્ટેશન ઉપર બ્રાઉન સુગરનો નશો કર્યો હતો અને ત્યાર બાદ તેઓ ટ્રેનમાં ચઢ્યા હતા અને ભાનુશાળીને ગોળી મારી હતી. આ મામલે તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની પોલીસ તપાસમાં આ હકીકત બહાર આવી છે. આ ઉપરાંત હત્યા કરવા આવેલા શૂટરો સાથે ત્રીજી વ્યક્તિ પણ હતી, જેની ઓળખ પણ પોલીસે કરી લીધી છે, આ ત્રીજી વ્યક્તિને શોધવા માટે પોલીસ મહારાષ્ટ્ર તરફ રવાના થઈ હતી અને રિમાન્ડ દરમિયાન બહાર આવેલી વિગત પ્રમાણે, સયાજી એક્સ પ્રેસમાં મુસાફરી કરી રહેલા જયંતિ ભાનુશાળીની હત્યા કરવા માટે કુલ ત્રણ વ્યક્તિઓ એક બાઇક ઉપર નીકળી હતી, શૂટરો હત્યા કરવા માટે ભચાઉ સ્ટેશનથી ટ્રેન પકડવાના હતા,પણ આ દરમિયાન બાઇકનું પેટ્રોલ ખલાસ થઈ ગયું હતું., એક તબબકે હત્યારાઓએ માની લીધું કે હવે ટ્રેન છૂટી જશે તેઓ પેટ્રોલ લેવા માટે બાઇક ખેંચી પંપ ઉપર લઈ ગયા હતા.  ત્યારબાદ તેઓ ભચાઉ આવ્યા હતા પરંતુ ટ્રેન આવવાની વાર હોવાને કારણે બંને શૂટરોએ બ્રાઉન શુગર પીધું હતું , જ્યારે નક્કી થયા પ્રમાણે ત્રીજી વ્યક્તિ બાઇક લઈ સામખિયાળી પહોંચી ગઈ હતી, ત્યારબાદ ટ્રેનમાં દાખલ થયેલા શૂટરોએ ભાનુશાળીને ગોળી મારી હતી, અને ત્યારબાદ તેઓ સામખિયાળી ઉતરી ગયા હતા. ત્યારબાદ ત્રણે એક જ બાઇક ઉપર ભાગ્યા હતા અને બાઇકને રાધનપુર છોડી મહારાષ્ટ્ર જતા રહ્યા હતા.

 આ મામલે તપાસ કરી રહેલી પોલીસ છેલ્લા કેટલાય દિવસથી આ બાઇક શોધી રહી હતી,પરંતુ રાધનપુર પોલીસને આ બાઇક બિનવારસી મળી આવ્યું હોવા છતાં રાધનપુર પોલીસે આ અંગે કોઈ કાર્યવાહી કરવાની બદલે કાગળો કર્યા વગર બાઇક કબ્જે કરી મૂકી દીધું હતું, આ મામલે બેદરકારી દાખવનાર રાધનપુર પોલીસ સામે પણ કાર્યવાહી થાય તેવી સંભાવના છે.

 

(8:03 pm IST)