Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

૨ વર્ષમાં ગુજરાતમાં ૨૦૪ સિંહો મોતને ભેટયા

સરકારે વિધાનસભામાં આપી વિગતો

અમદાવાદ તા. ૨૩ : ગુજરાત રાજય સરકારે વિધાનસભામાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ૨૦૪ સિંહના મોત થયા છે. રાજય સરકારે કહ્યું કે, મૃત્યુ પામેલા સિંહમાં ૯૪ સિંહબાળનો પણ સમાવેશ થાય છે. ૩૪ સિંહોના મોત રોગના કારણે થયા છે, જેમાંથી CDV અને બેબેસિયોસિસ સૌથી ઘાતક નીકળ્યા. આ બંને ઈન્ફેકશને ૨૭ સિંહોનો ભોગ લીધો. વનમંત્રી ગણપત વસાવાએ તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડને જવાબ આપતાં જણાવ્યું કે, ૨૦૧૭ અને ૨૦૧૮માં ૨૦૪ સિંહો અને ૩૩૧ દીપડાંના મોત થયા.

કુલ ૨૦૪માંથી ૧૭૭ સિંહના કુદરતી મોત થયા જયારે ૨૭ સિંહના આકસ્મિક સંજોગોમાં મોત થયા. ૩૩૧ દીપડામાંથી ૮૬ના મોત પણ આકસ્મિક સંજોગોમાં થયા. વાઈલ્ડલાઈફ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના પૂર્વ ડીન એજીટી જોનસિંહે કહ્યું, 'સિંહોના મોત ચેતવણીની ઘંટડી છે. આ સિંહો ગુજરાતમાં જ જન્મેલા અને ઉછરેલા હોવાથી આંકડો ચિંતાજનક છે. હવે સમય પાકી ગયો છે કે ગુજરાત સરકાર ૨૦ સિંહોનું કુનો પાલપુરમાં સ્થળાંતર કરે.' જો ભયંકર રોગચાળો ફાટી નીકળે તો ગુજરાતના સિંહોને બચાવવા માટે આ પગલું જરૂરી છે તેમ જોનસિંહનું માનવું છે.

વનમંત્રી વસાવાએ કહ્યું, સિંહોનું પોરબંદરના બાદરામાં સ્થળાંતર કરવા અંગે અંતિમ નિર્ણય જલ્દી જ લેવાશે અને થોડા સમયમાં આ વિશે જાહેરાત પણ કરાશે. સિંહ નિષ્ણાત અને નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફના સભ્ય એચ. એસ. સિંઘે કહ્યું, ગુજરાતમાં કુલ કેટલા સિંહ છે તેના ચોક્કસ આંકડાની જાણ નથી. જો ૨૦૧૫ની સિંહોની વસ્તીગણતરીને ધ્યાને લઈએ તો એ વખતે ૫૨૩ સિંહ હતા. બે વર્ષમાં ૨૦૪ સિંહના મોત થયા, આ મોટો આંકડો કહી શકાય. જો આપણે ૬૦૦ સિંહો છે તેમ માનીએ તો ૨૦૪ સિંહના મોત એટલે કે મૃત્યુદર ૧૫ ટકા છે, જે સ્વીકૃત દર કહી શકાય. ફોરેસ્ટના મુખ્ય સંરક્ષક એ. કે. સકસેનાએ કહ્યું, CDV અને બેબેસિયોસિ ઈન્ફેકશનના કારણે સિંહોના કુદરતી મોતનો આંકડો વધ્યો છે તેમ માની શકાય.(૨૧.૪)

 

(11:38 am IST)