Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

કોન્સ્ટેબલો માટે પણ હવે ૩ રૂમ-રસોડાના મકાન બનશે

પોલીસ પરિવારો માટે રાજ્ય સરકારનો નિર્ણય : પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ૭૮૪ કરોડના ખર્ચે અદ્યતન ડિઝાઇન કરી ચાર હજારથી વધુ મકાનો બનાવાશે

અમદાવાદ,તા.૨૨ : રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને સુવિધાસભર રહેણાંક આવાસ મળી રહે તે હેતુસર વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પોલીસ કોન્સ્ટેબલથી માંડીને પીએસઆઈ કક્ષાના પોલીસ કર્મચારીઓના મળવા પાત્ર આવાસનાં ક્ષેત્રફળમાં વધારો કરીને પોલીસ પરિવાર માટે વધુ મોકળાશ વાળા અદ્યતન ડિઝાઇન સાથેના આવસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એ.એેસ.આઈને પણ ત્રણ રૂમ રસોડાનું સુવિધાયુક્ત મકાન ફાળવવામાં આવશે. રાજ્ય સરકારનો આ નિર્ણય પોલીસ કર્મચારીઓને માનસિક સંતોષની લાગણી સાથે નિષ્ઠાપૂર્વક કામગીરી માટે યોગ્ય વાતાવરણ પૂરૂ પાડશે. રાજ્ય સરકારની સંપૂર્ણ માલિકી ધરાવતા જાહેર એકમ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા રૂ.૭૮૪ કરોડના ખર્ચે નવી અદ્યતન ડિઝાઇન તૈયાર કરી અલગ-અલગ જિલ્લાઓમાં ૪૦૧૨ મકાનોના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હોવાનું ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના સિનિયર મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા પોલીસ, જેલ, હોમગાર્ડ તથા ન્યાય સહાયક વિજ્ઞાન વિભાગના રહેણાંક તથા બિન રહેણાંકના મકાનો બાંધવાની કામગીરી કરવામાં આવે છે. સારી સુવિધાઓ અને સગવડો ધરાવતા મકાનો માનસિક સંતોષની સ્થિતિ ઉત્પન્ન કરે છે અને નિષ્ઠાપૂર્વક સારી કામગીરી કરવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે નોકરીના કલાકો પર નજર નાંખ્યા વગર ખંતપૂર્વક ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેકટરના મકાનો માટે અગાઉ નિયત ધારાધોરણ મુજબ કક્ષા-'બી'ના મકાનો માટે વસવાટ લાયક બાંધકામનું ક્ષેત્રફળ ૪૧.૮૫ ચો.મી. આપવામાં આવતું હતું. જેમાં બે રૂમ રસોડાનો સમાવેશ થતો હતો. આ જ રીતે પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાં મકાનોમાં એટેચ ટોયલેટ સહિતના એક બેડરૂમ સાથે ત્રણ રૂમ રસોડાના મકાન માટે ૫૫.૪૬ ચો.મી. વસવાટલાયક ક્ષેત્રફળ મુજબ બાંધકામ કરવાનું થતું હતું. પોલીસ કર્મીઓના કુટુંબીજનોને પાયાની યોગ્ય સુવિધાઓ અને જરૂરી સગવડો સાથે મોકળાશ મળી રહે તથા પ્રાઇવસી જળવાઈ રહે તે અંગે પૂરતું ધ્યાન રાખવાનો રાજ્ય સરકારનો અભિગમ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સંવેદનશીલ સરકાર દ્વારા રાજ્યનાં પોલીસ કોન્સ્ટેબલ તથા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરના મકાનના વસવાટ લાયક ક્ષેત્રફળમાં વધારો કરવા તેમજ વધુ સુવિધા યુક્ત બનાવવા અંગે જાહેરાત કરી છે. રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ પોલીસ કોન્સ્ટેબલ માટેના કક્ષા-'બી'ના મકાનોમાં વધુ એક રૂમ બાંધવા તથા તે માટે વસવાટ લાયક ક્ષેત્રફળ ૪૧.૮૫ ચો.મી.થી વધારીને ૫૫.૦૮૮ ચો.મી. કરવા મંજુરી આપી છે તે ઉપરાંત પોલીસ સબ-ઇન્સ્પેક્ટર માટેના કક્ષા-'સી'ના મકાનોમાં વસવાટ લાયક ક્ષેત્રફળ ૫૫.૪૬ ચો.મી.થી વધારીને ૬૪.૫૫ ચો.મી. કરવા મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા સરકારના ઉપરોક્ત નિર્ણય અન્વયે કક્ષા 'બી' તથા 'સી' ના  વસવાટ લાયક વધુ ક્ષેત્રફળ મુજબનાં મકાનોની નવી અદ્યતન ડિઝાઈન તૈયાર કરી દેવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં લિફ્ટ તથા ર્પાકિંગ સહિતના સુવિધા સભર બહુમાળી મકાનોનું બાંધકામ હાથ ધરવા નિર્ણય કરવામાં આવ્યો છે.

(9:57 pm IST)