Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

અમદાવાદના વેજલપુરમાં પોલીસ જવાનની હત્‍યાનો પ્રયાસ કરનાર અમીન મારવાડી અને સમીર પેંદીએ રિયલ એસ્‍ટેટના ધંધાર્થીને ડરાવીને 5 લાખની ખંડણી માંગી

અમદાવાદ: વેજલપુરમાં પોલીસ જવાનની હત્યાનો પ્રયાસ કરનાર કુખ્યાત અમીન મારવાડીનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો. પોલીસ તપાસમાં જે ફાર્મમાં ફાયરિંગ થયું તે પાલડી સ્થિત રિયલ એસ્ટેટના ધંધાર્થીનું હોવાનું ખુલ્યું હતું. પોલીસ ફાર્મ હાઉસ પર પહોંચી ત્યારે વેપારીએ આરોપી અમીને તેઓના ફાર્મ હાઉસમાં ઘૂસી રૂ.5 લાખની ખંડણી માંગી ફાયરિંગ કર્યાનો અને સમીર પેંદીએ વીડિયો ઉતાર્યાનો ખુલાસો કર્યો હતો. સરખેજ પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પાલડી એનઆઈડી પાસે પ્રભુ પાર્ક સોસાયટીમાં રહેતા દાનીયલ ફારૂકભાઈ દિલ્લીવાલા (વોરા) (ઉં,34)એ આરોપી અમીન ઉર્ફ અમીન મારવાડી ઈબ્રાહીમ જાટ, સમીર પેંદી અને અન્ય એક ઈસમ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ દાનીયલ વોરા ખાણપુરમાં કામા હોટલ પાસે મિસ્ત્રી ચેમ્બર્સમાં સલોની રીયાલીટી પ્રા.લી.ના નામથી રિયલ એસ્ટેટનો વેપાર કરે છે. દાનીયલભાઈનું ફાર્મ હાઉસ સરખેજ નરીમાન રોડ પર ફતેવાડી કેનાલ પાસે આવેલું છે.

ગત તા.22-1-2021ના રોજ સોશિયલ મીડિયામાં અમીન મારવાડીનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયોમાં દેખાતું ફાર્મ હાઉસ દાનીયલ વોરાનું હોવાથી તેઓએ તેમના પિતાને ફોન કરી પૂછ્યું હતું. પિતા ફારૂકભાઈ વોરાએ પુત્ર દાનીયલને જણાવ્યું કે, ગત તા.21-1 -2021ના રોજ સાંજે 6.15 વાગ્યે અમીન આપડા ફાર્મ હાઉસમાં આવ્યો હતો અને મને ફોન કરી હું જુહાપુરાનો ડોન છું, તારે ફતેવાડીમાં જમીન લે વેચનો ધંધો કરવો હોય તો મને રૂ.5 લાખ આપવા પડશે તેમ કહ્યું હતું. ફારૂકભાઈએ રૂપિયા આપવાની ના પાડી હતી. આરોપી અમીને ભયનો માહોલ સર્જવા અને ધાક જમાવવા માટે ફાર્મ હાઉસમાં રહેતાં કુરબાન આલમ સમાની હાજરીમાં હવામાં બે રાઉન્ડ ફાયર કર્યા જેનો વીડિયો સમીર પેંદીએ ઉતાર્યો હતો. બાદમાં ત્રણે આરોપી ફાર્મ હાઉસથી નીકળી ગયા હતા.

સરખેજ પોલીસે બનાવ અંગે આરોપી અમીન મારવાડી,સમીર પેંદી અને અન્ય એક શખ્સ વિરૂધ્ધ ખંડણી અને આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:39 pm IST)