Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

અમદાવાદના અસારવામાં યુવકની હત્‍યા કેસમાં સંડોવાયેલ આરોપીએ પોતે જ નાર્કો ટેસ્‍ટ માટે દાખલ કરેલી અરજી સ્‍થાનીય કોર્ટ દ્વારા મંજૂર

અમદાવાદ: શહેરના પૂર્વમાં આવેલી અસારવા રેલવે લાઈન પાસે 30 વર્ષીય યુવકની હત્યાના કેસમાં સંડોવાયેલા આરોપીએ પોતે જ નાર્કો ટેસ્ટ માટે દાખલ કરેલી અરજી અમદાવાદની સ્થાનીય કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

ગાંધીનગર FSL વિભાગ સાથે સંકલન બાદ આરોપી- જીતેન્દ્ર ભદોરીયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે. કોર્ટે આ મુદ્દે FSL વિભાગ દ્વારા નાર્કો ટેસ્ટ માટે જે તારીખ નક્કી કરવામાં આવે, ત્યારે તપાસ અધિકારીને હાજર રહેવાનો હુકમ કર્યો છે. નાર્કો ટેસ્ટની આખી પ્રક્રિયા દરમિયાન તપાસ અધિકારી સાથે આરોપીના વકીલને પણ હાજર રહેવાની કોર્ટે મંજૂરી આપી છે. નાર્કો ટેસ્ટની પ્રક્રિયા બાદ તપાસ અંગેની યાદી કોર્ટને પણ આપવામાં આવે તેવો પણ આદેશ કરવામાં આવ્યો છે.

અરજદાર-આરોપીના વકીલ તરફે રજૂઆત કરવામાં આવી છે કે, બનાવના વખતે આરોપી ઘટના સ્થળે નહી, પરંતુ 10 કીમી દૂર આવેલા સ્થળ પર તેની પત્ની સાથે હાજર હતો. અરજદાર-આરોપી અને તેની પત્નીને ફોન પર હત્યા અંગેની જાણ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

અરજદાર-આરોપીએ તેના આસપાસમાં રહેતા લોકોના નિવેદન અન્ય કોલ રેકોર્ડની તપાસ કરવાની રજુઆત કરી તેમ છતાં તપાસ અધિકારી આવું કર્યું ન હોવાની દલીલ કરવામાં આવી હતી.

અરજદાર તરફે વધુમાં રજુઆત કરવામાં આવી હતી કે, મૃતકે સિવિલ હોસ્પિટલમાં મરતાં પહેલા કેટલાક આરોપીઓના નામ આપ્યા હતા. જેમાં અરજદાર-આરોપીનું નામ સામેલ ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી. સરકારી વકીલે નાર્કો ટેસ્ટ કરવા મુદ્દે કોઈ વિરોધ કર્યો ના હોવાથી કોર્ટે નાર્કો ટેસ્ટની મંજૂરી આપી છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે 5મી ઓગસ્ટ 2018ના રોજ અસારવા રેલવે લાઈન પાસે ચંદનકુમાર નામના વ્યક્તિની કેટલાક લોકો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં મૃતકે હાલના અરજદાર આરોપીનું નામ લીધો હોવાનો આક્ષેપ છે. આ સિવાય આ કેસમાં અન્ય આરોપી પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. મૃતક છૂટક મજૂરી કામ કરતો હતો.

(4:37 pm IST)