Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

ગુજરાત હાઈકોર્ટ દ્વારા લો ગ્રેજ્યુએટને વચગાળાની રાહત :24મીએ AIBEની પરીક્ષા આપવાની મંજૂરી

રિટનો નિકાલ ન આવે ત્યાં સુધી અરજદારનું પરિણામ જાહેર નહિ કરી શકાય

અમદાવાદ :ગુજરાતની મહિલા લૉ ગ્રેજ્યુએટની એનરોલમેન્ટ અરજી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ 1 વર્ષથી વધુ સમય સુધી પેન્ડિંગ હોવાની માંગ સાથે દાખલ કરાયેલી અરજી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે અરજદારને વચગાળાની રાહત આપતા 24મી જાન્યુઆરીના રોજ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામીનેશનની (AIBE) પરીક્ષા આપવાની મંજૂરી આપી છે

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એસ.એચ વોરાએ આપેલા વચગાળાના આદેશમાં જણાવ્યું હતું કે અરજદારને AIBEમાં પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ જ્યાં સુધી રિટનો નિકાલ ન આવે ત્યાં સુધી અરજદારનું પરિણામ જાહેર કરવું નહિ.

ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને અન્ય પક્ષકારોને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો હતો. હાઈકોર્ટમાં શિવી અગ્રવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે તેની એનરોલમેન્ટ અરજી 1 વર્ષથી વધુ સમય સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ પેન્ડિંગ છે અને તેના લીધે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામીનેશનની પરીક્ષા પણ આપી શકી નથી.

ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના 2017ના ઠરાવ પ્રમાણે અરજીના 20 દિવસ સુધીના સમયગાળામાં પ્રોવિઝનલ એનરોલમેન્ટ આપવા અંગે નિણર્ય લેવાનો હોય છે, જોકે તેના કેસમાં 1 વર્ષથી વધુ સમય વીતી ચૂક્યું છે. મહિલા અરજદારની અરજી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ 29મી જૂન 2019થી પેન્ડિંગ છે. આટલા લાંબા સમય સુધી એનરોલમેન્ટ અરજી પેન્ડિંગ રહેવી ગેરકાયદેસર છે.

3 ડિસેમ્બર 2020ના રોજ અરજદારને જણાવવા આવ્યું હતું કે તેનો એનરોલમેન્ટ રદ કરવામાં આવ્યો છે અને તેને આપયેલો એનરોલમેન્ટ નંબર અર્જુન ભટ્ટી નામના વ્યક્તિનો છે. BCGના આ લેટરને પણ રદ કરવાની કોર્ટમાં રજુઆત કરાઈ હતી.

(12:33 am IST)