Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

હાર્દિક પટેલની જેલમાંથી બહાર આવતાની સાથે ફરી ધરપકડ

હાર્દિક પટેલને ગાંધીનગર એલસીબી ખાતે લઈ જવાયો : વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સિધ્ધપુર પોલીસ મથકમાં થયેલ કેસમાં ફરી હાર્દિક પટેલ ની ધરપકડ થઇ

અમદાવાદ, તા.૨૩ : રાજદ્રોહ કેસમાં આજે સાબરમતી જેલમાંથી બહાર નીકળતાની સાથે હાર્દિક પટેલની માણસા પોલીસે જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ટૂંકમાં, હાર્દિકને જેલમાં રાખવાનું ષડયંત્ર હોય તેવું સ્પષ્ટ ચિત્ર સામે આવી રહ્યું હતુ, જેને લઇ કોંગ્રેસ સહિત પાટીદારોમાં પણ ભારે નારાજગીની લાગણી ફેલાઇ હતી. હાલમાં હાર્દિકને ગાંધીનગર એલસીબી ખાતે લઈ જવામાં આવ્યો છે. ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ચકચારભર્યા રાજદ્રોહ કેસમાં સેશન્સ કોર્ટે ગઇકાલે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે કેસમાં હાર્દિકને હવે પછી કેસની તારીખમાં ફરજીયાત હાજર રહેવાનો આદેશ કર્યો હતો. જ્યારે હાર્દિકના વકીલે કોર્ટમાં બાહેંધરી આપી હતી કે, હાર્દિક હવે ફરીથી આવી ભૂલ કરશે નહીં. આમ હાર્દિક રાજદ્રોહ કેસમાં શરતી જામીન મળતા જેલ બહાર આવ્યો હતો. હાર્દિક પટેલ એક મુશ્કેલીમાંથી બહાર નીકળે છે તો બીજી મુશ્કેલીમાં ફસાય જાય છે.

                પાટીદાર આનામત આંદોલન સમયે રાજદ્રોહના અમદાવાદના કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે વિરમગામ નજીક આવેલી હાંસલપુર ચોકડીથી તેની ધરપડક કરી હતી. ધરપકડ બાદ હાર્દિક પટેલને રાત્રીના સમયે મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટની ગણાત્રાના નિવાસ સ્થાને રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને તા.૨૪ જાન્યુઆરી સુધી સુધી ન્યાયિક હિરાસતમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સેશન્સ કોર્ટ દ્વારા હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટની ટ્રાયલમાં સતત ગેરહાજર રહેતો હોવાથી સેશન્સ કોર્ટ દ્વારા હાર્દિક પટેલની સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. કેસમાં શરતી જામીન પર બહાર આવતાની સાથે હાર્દિક પટેલની જાહેરનામાં ભંગ બદલ સિધ્ધપુર પોલીસમથકમાં થયેલા કેસમાં ધરપકડ થઇ ગઈ છે. ગુનો વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલ સામે નોંધાયો હતો.

               રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી દરિમયાન હાર્દિક પટેલ કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના સમર્થનમાં એક જાહેરાત કરી હતી. જાહેરાતના પગેલ હાર્દિક પટેલ સામે સિધ્ધપુર પોલીસ સ્ટેશનમાં જાહેરનામ ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કેસમાં હાર્દિકની જેલમાંથી બહાર નીકળતાંની સાથે ફરી ધરપકડ કરવામાં આવી હતી અને તેને ગાંધીનગર એલસીબી ખાતે લઇ જવાયો હતો. બાદમાં પ્રાથમિક પૂછપરછ અને નિવેદન નોંધ્યા બાદ તેને કોર્ટમાંં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં હાર્દિકે જામીન અરજી કરી હતી

(8:44 pm IST)