Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ગુજરાત સરકારે રાજયના અનેક ધાર્મિક સ્થળો પર ભીખ માગવા પર પ્રતિબંધ લગાવ્યો

જૂનાગઢ મહા નગરપાલિકા વિસ્તાર, ડાકોર, સિદ્ઘપુર, પાલિતાણા, ચાંપાનેર (પાવાગઢ), બહુચરાજી અને શામળાજી ગ્રામ પંચાયત વિસ્તારમાં ભિક્ષા પ્રતિબંધ

અમદાવાદ, તા.૨૩: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં ભીખ માગવા પર પ્રતિબંધ લગાવવાની વાત કરવામાં આવી છે. મુખ્યત્વે ભીખ માગવા પર પ્રતિબંધ લગાવવા માટે જે સ્થળોની પસંદગી કરાઈ છે તે તમામ લગભગ તમામ ગુજરાતના ધાર્મિક સ્થળો છે. એટલે કે નક્કી કરેલા વિસ્તારોમાં ભીખ માગવી ગુનો સાબિત થશે. જોકે, આ ગુનાની સજા અંગે કોઈ જોગવાઈ પરિપત્રમાં કરવામાં આવી નથી.

ગુજરાત ભિક્ષા પ્રતિબંધ અધિનિય – ૧૯૫૯ મુજબ ભીખ માગવા પર પ્રતિબંધ લગાવાવમાં આવ્યો છે. આ અધિનિયમની કલમ-૧(૩) કરવામાં આવેલી જોગવાઈના આધારે આ જાહેરનામું બહાર પાડીને ભીખ માગવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સાથે જાહેરનામાંમાં જણાવવામાં આવ્યું છે કે જાહેરનામું પ્રસિદ્ઘ થયાની તારીખથી જ અમલમાં મૂકવામાં આવશે, આ જાહેરનામું ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ પ્રસિદ્ઘ કરવામાં આવ્યું છે.

ગુજરાતના કયા વિસ્તારોમાં ગુજરાત ભિક્ષા પ્રતિબંધ અધિનિય અનુસાર ભીખ માગવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેના વિશે જણાવીએ તો, જૂનાગઢ મહા નગરપાલિકા વિસ્તાર, ડાકોર, સિદ્ઘપુર, પાલિતાણા, ચાંપાનેર (પાવાગઢ), બહુચરાજી અને શામળાજી ગ્રામ પંચાયત વિસ્તારમાં ભિક્ષા પ્રતિબંધ અધિનિયમ-૧૯૫૯નો અમલ કરવાનો રહેશે.

ભીખ માગવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ આ નિયમનું પાલન ના કરનાર સામે કેવા પગલા ભરવામાં આવશે, તે અંગે પરિપત્રમાં કોઈ રજૂઆત કરવામાં આવી નથી.

(3:55 pm IST)