Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

બળજબરીથી ધર્મપરિવર્તનનો ગુજરાતનો પ્રથમ કેસ નોંધાયો

આમોદના કેથોલિક ચર્ચના પાદરી સામે ફરિયાદ : પાદરી વિરુદ્ધ ફરિયાદ : પાદરીએ સગીરના માતા-પિતા, કલેક્ટરની મંજૂરી વિના ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવ્યું

અમદાવાદ,તા. ૨૩ : સગીર વયના બાળકને જબરદસ્તી ધર્મપરિવર્તન કરાવવાનો રાજ્યનો પ્રથમ કેસ પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. આણંદના આમોદના કેથોલીક ચર્ચના પાદરી વિરુદ્ધ ધર્માંર્તરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. પાદરીએ સગીરના માતા-પિતાની તેમજ કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવી દીધું હતું. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, આમોદ ગામમાં રહેતા એક સગીરના માતા-પિતાએ હિન્દુ ધર્મના છે અને તેઓએ ૨૦૦૧માં પ્રેમલગ્ન કર્યા હતા. સગીરની માતા દરરોજ ચર્ચમાં જતી હતી. સગીરના શાળા પ્રમાણપત્ર તેમજ જાતિના પ્રમાણ પત્રમાં હિન્દુ ધર્મ દર્શાવાયો છે. બંનેના ૨૦૦૮માં ડિવોર્સ થઇ ગયા હતા. ૨૦૧૨માં ચર્ચના પાદરીએ સગીરના માતા-પિતા તેમજ કલેક્ટરને જાણ કર્યા વગર સગીરનો ધર્માતરણ કરાવી દીધો હતો. જેની જાણ એક સમાજ સેવકને થતા તેઓએ કલેક્ટરને અરજી કરીને આ મામલે રજૂઆત કરી હતી. જેના આધારે કલેક્ટરે પાદરી વિરુદ્ધ ધર્માતરણની ફરિયાદ નોંધાવી છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ધાર્મિક પરિવર્તનની માંગણી કરતી ૧,૮૯૫ અરજીઓ નોંધાઈ છે, જેમાંથી ૫૩ ટકા અરજી સુરતની હતી. અરજી કરતા અરજદારોમાં ૯૪ ટકાથી વધુ લોકો હિન્દુ હતા, લગભગ ચાર ટકા મુસ્લિમ અને એક ટકાની આસપાસ ખ્રિસ્તીઓ હતા. જુલાઈ ૨૦૧૪ અને જૂન ૨૦૧૯ની વચ્ચેના ગાળામાં સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલ હબમાંથી કુલ ૧,૦૦૩ અરજીઓ મળી હતી. ગત મહિને પૂરા થયેલા પાંચમા અધિવેશન દરમિયાન ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ડેટામાં આ વાત બહાર આવી છે. સુરત બાદ બનાસકાંઠાનો નંબર આવે છે. બનાસકાંઠામાં ૧૯૬ અરજદારોએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી હતી. આ આંકડામાં પણ સૌથી વધારે હિન્દુઓ હતા. ત્યારબાદ જૂનાગઢમાંથી ૧૬૧, આણંદમાંથી ૯૨ અને સુરેન્દ્રનગરમાંથી ૮૦ની આસપાસ અરજી કરવામાં આવી હતી. પોતાનો ધર્મ બદલાવવામાં મોટા ભાગના હિન્દુઓ હતા. હિન્દુ બાદ મુસ્લિમોની ધર્મ પરિવર્તનની કરાવવા માટેની અરજીઓ વધારે જોવા મળી છે. ગુજરાતમાં ધર્મ પરિવર્તન માટે અરજી કરનારા મોટાભાગના મુસ્લિમો સુરતના ૨૦, વડોદરાના ૧૨, રાજકોટના ૧૦ અને અમદાવાદના આઠ અરજદારો હતા. જ્યારે ક્રિશ્ચિયન અરજદારો મોટાભાગે વડોદરા, આનંદ અને ખેડાના રહેવાસી હતા. છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન રાજ્ય સરકારે અંદાજે ૧,૦૦૬ અરજદારોને મંજૂરી આપી હતી, જેમાંથી ૬૭ ટકા જુલાઈ ૨૦૧૮ અને જૂન ૨૦૧૯ની વચ્ચે હતી. ધાર્મિક પરિવર્તન માટેની અરજીઓ પ્રાપ્ત થયા પછી અરજીઓ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સંબંધિત પોલીસ અધિકારીને મોકલવામાં આવે છે. તેઓ વ્યક્તિના ધર્મ પરિવર્તન થવાના નિવેદનો લે છે અને કોઈ પ્રકારની જબરદસ્તી તો નથી થઇને તે મુદ્દે તપાસ કરે છે.

(9:44 pm IST)