Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

પશ્ચિમ રેલવેએ નવ મહિનામાં ટિકિટ વગર મુસાફરી કરતા 21.33 લાખ મુસાફરો ઝડપ્યા : 104 કરોડનો દંડ વસુલ્યો

ટિકિટ વગર મુસાફરી કરનારની સંખ્યા ગત વર્ષની સરખામણીએ 8.85 ટકા વધુ

અમદાવાદ : પશ્ચિમ રેલવે દ્વારા એપ્રિલથી ડિસેમ્બર 2019 સુધી ટિકિટ વગર અથવા તો ગેરલાયક ટિકિટ પર પ્રવાસ કરનારા મુસાફરો વિરુદ્ધ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સામાન બૂક કર્યા વગરના કેસો સહિત ટિકિટ વગર પ્રવાસ કરનાર 21.33 લાખ પ્રવાસીઓ સામે કેસ નોંધાયો છે. જેમાં 104.10 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જે ગત વર્ષની સરખામણીએ 8.85 ટકા વધુ છે.

જેમાં પશ્ચિમ રેલવે દ્વારા અલગ અલગ રેલ પરિસરમાંથી 2219 ભિખારીઓ અને 4711 અનધિકૃત ફેરિયાઓને કાઢી મૂકવામાં આવ્યા છે અને દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. તો 1134 વ્યક્તિઓને જેલમાં મોકલવામાં આવ્યા છે.

  પશ્ચિમ રેલવેના વાણિજય વિભાગ દ્વારા દલાલો અને અસામાજિક તત્વો વિરુદ્ધના 2124 કેસોની તપાસ કરવામાં આવી છે, તેમજ છેલ્લા નવ મહિના દરમિયાન આ મુદ્દે 1821 વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમજ રેલ અધિનિયમની જુદી જુદી ધારા હેઠળ કેસ ચલાવીને દંડ વસૂલ કરવામાં આવ્યો છે

 અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વધારે કેસ નોંધાયા હતા. જેનું કારણ વેકેશન દરમિયાન પ્રવાસીઓ મોટી સંખ્યમાં ટિકિટ વગર પ્રવાસ કરતા હોવાનું છે. જેમાં સામાન બુક કર્યા વગર અને ટિકિટ વગર પ્રવાસ કરનાર 2.13 લાખ કેસો નોંધાયા હતા. જેમની પાસેથી 10.14 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન 151 ભિખારીઓ અને 593 અનઅધિકૃત ફેરિયાને રેલ પરિસરથી બહાર કાઢવામાં આવ્યા હતા અને દંડ વસૂલ કરાયો હતો. 115 વ્યક્તિઓને જેલમાં મોકલાયા હતા.

(1:21 pm IST)