Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

નિત્યાનંદને સકંજામાં લેવા સીઆઇડી મારફત ઇન્ટરપોલની મદદ લેવાશેઃ કે.ટી.કામરીયા

લાલ શાહીથી ચાર્જશીટમાં સ્વામીનું નામ દર્શાવ્યું છે, કોઇ રાજયમાં છુપાયા હશે તો પણ તેઓને પકડી શકાય તેવી કાયદાકીય કાર્યવાહી કરી છેે: જેમની માસ્ટરી ધ્યાને લઇ રજા પરથી પરત બોલાવી તપાસ સુપ્રત કરાયેલ તેવા ખાસ તપાસ ટીમના અધ્યક્ષ કે.ટી. કામરીયા સાથે અકિલાની વાતચીત : બાળકોને ગોંધી રાખવા, મજુરી કરાવવી, બિભત્સ ગાળો આપી માર મારવા જેવી કલમો પણ ચાર્જશીટમાં સાધ્વીઓ પ્રાણપ્રિયા-પ્રિયતત્વા સામે લગાડવામાં આવી છે

રાજકોટ, તા., ર૩: સમગ્ર ગુજરાતમાં  ચકચાર જગાવનાર અને અનેક મહાનુભાવો જેમના ભકત હોવાની રાજયભરમાં ચર્ચા છે તેવા અમદાવાદના નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગેરકાયદે ગોંધી રાખવાના આરોપસર કાર્યવાહી કરવા સાથે આશ્રમના બે સાધ્વી સામે ગુન્હો નોંધાયા બાદ વિદેશ  નાસી છુટેલા નિત્યાનંદ વિરૂધ્ધ સીઆરપીસી કલમ ૭૦ મુજબ વોરન્ટ મેળવી અને ચાર્જશીટમાં લાલ શાહીથી દર્શાવી અટકી જવામાં નહી આવે, નોડલ એજન્સી સીઆઇડી ક્રાઇમ દ્વારા રેડ કોર્નર નોટીસ દ્વારા ઇન્ટરપોલને જાણ કરી કોઇ પણ રીતે ઝડપી લેવામાં આવશે તેમ અકિલા સાથેની વાતચીતમાં  સમગ્ર તપાસ માટે નિમાયેલી ખાસ સમીતીના અધ્યક્ષ ડીવાયએસપી કે.ટી.કામરીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

સીઆરપીસી કલમ ૭૦ મુજબ વોન્ટેડ જાહેર કરાયાના પગલે દરેક રાજયની પોલીસને આ વોરન્ટ મોકલી આપ્યું હોવાથી અન્ય રાજયમાં છુપાયા હશે તો પણ ઝડપી લેવામાં આવશે. તેઓએ જણાવેલ કે નિયત સમયમાં જ ચાર્જશીટ રજુ કરવા માટે તલસ્પર્શી તપાસ કરવા સાથે રાત-દિવસ જોયા વિના કામગીરી થઇ હતી. એસપી આર.વી.અસારી તથા ડીવાયએસપી સમીર સારડા સહીતની અમારી સમગ્ર ટીમ કાર્યરત રહી હતી અને હજુ પણ એટલી જ સક્રિય છે.

સ્વામી નિત્યાનંદ આશ્રમના સાધ્વી માં પ્રાણ પ્રિયા તથા પ્રિયતત્વા વિરૂધ્ધ પુરતા પુરાવાઓ ખાસ તપાસ ટીમને મળી ચુકયા છે. બાળકોના અપહરણ, બાળકો પાસે મજુરી કરાવી, બિભત્સ ગાળો બોલવી, માર મારવા જેવા આરોપો અંગે પણ પુરતા પુરાવાઓ સાથે જ કાર્યવાહી કરવામાં આવી છે. દાન સહીતના અન્ય આરોપો અંગે સંબંધક એજન્સીઓને જાણ કરવામાં આવી છે.

અત્રે યાદ રહે કે અમદાવાદના હાથીજણ વિસ્તારમાં ડીપીએસ સ્કુલના પ્રાંગણમાં આ આવેલ આશ્રમમાં ડીપીએસ સ્કુલના કર્તાહર્તાઓની પણ ભુમીકા શંકાસ્પદ બની હતી. બનાવની ગંભીરતા પારખી રાજય સરકારે પણ તાકીદે તપાસના આદેશ આપ્યા હતા. ખાસ તપાસ ટીમના અધ્યક્ષ સાણંદના વિભાગીય પોલીસ વડા કે.ટી.કામરીયા બનાવ બન્યો ત્યારે રજા પર હતા, એન્ટીકરપ્શન બ્યુરોમાં તેઓએ અનેક કેસોમાં કરેલી વિસ્તૃત તપાસની માસ્ટરી ધ્યાને લઇ તેઓની રજા ટુંકાવી આ ખાસ કામગીરી સુપ્રત કરવામાં આવેલી.

(12:09 pm IST)