Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

કેતન ઈનામદારને સૌરભ પટેલ સાથે વાંધો પડતા ભડકોઃ ટેકેદારોના રાજીનામાનો દોરઃ ઘીના ઠામમાં ઘીની શકયતા

સરકાર અને સંગઠનમાં સબ સલામત નહિ હોવાની વાત દિલ્હી સુધી પહોંચી : ધારાસભ્યનું રાજીનામુ પાછુ ખેંચવવા જીતુ વાઘાણી સહિતના આગેવાનોના પ્રયાસો આશાસ્પદ :'સાથી' ધારાસભ્યોની અવગણના થતી હોવાનો પત્રમાં સૂચક ઉલ્લેખઃ વધુ કેટલાક ધારાસભ્યો બહાર આવશે ?

રાજકોટ, તા. ૨૩ :. વડોદરાના સાવલી મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે ગઈકાલે અસંતોષના કારણે રાજીનામુ આપતા ભાજપમાં ભડકો થયો છે. સરકારમાં ધારાસભ્યોની મર્યાદીત સંખ્યાની બહુમતી ધરાવતી રૂપાણી સરકાર માટે ધારાસભ્યનો અસંતોષ પડકારરૂપ બન્યો છે. ધારાસભ્યએ અવાજ ઉઠાવ્યો તેનુ સાચુ કારણ શું હશે ? તે સંશોધનનો વિષય છે પરંતુ તેમણે પ્રજાકીય કામોમાં વહીવટી તંત્ર દ્વારા અવગણના થતી હોવાનું કારણ દર્શાવ્યુ છે. ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ દ્વારા ધારાસભ્યની અવગણના થતી હોવાનું તેમણે રાજીનામા પત્રમાં જણાવ્યુ છે. તેમનો ઈશારો ઉર્જામંત્રી સૌરભ પટેલ તરફ હોવાનું ભાજપના વર્તુળો જણાવે છે. સ્ટ્રીટ લાઈટના કનેકશન બાબતે સૌરભ પટેલ સાથે વાંધો પડતા તેમણે રાજીનામુ આપ્યાનું બહાર આવ્યુ છે. તેના ટેકામાં સાવલી તાલુકાના ભાજપના કેટલાક હોદેદારો અને સુધરાઈના ચૂંટાયેલા સભ્યોએ રાજીનામાનો માર્ગ લીધો છે.જો કે સરકાર અને સંગઠન દ્વારા સમજાવટના પ્રયત્નો ચાલુ છે. સાંજ સુધીમાં ઘીના ઠામમાં ઘી પડી જાય તેવા સંકેત છે. ખુદ ઈનામદારે પણ તેમના પ્રજાલક્ષી કામો બાબતે સરકાર હકારાત્મક વલણ દર્શાવે તો ધારાસભ્ય પદે યથાવત રહેવાનો નિર્દેશ કર્યો છે.

જાણવા મળ્યા મુજબ વડોદરાની સાવલી નગરપાલિકાનું સ્ટ્રીટ લાઈટનું કનેકશન બાકી નાણા ન ભરવાના કારણે કપાઈ ગયેલ. આ અંગે લોકોએ ધારાસભ્યને રજૂઆત કરેલ. ધારાસભ્યએ એમજીવીસીએલના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરેલ. તે અધિકારીએ લાખો રૂપિયાનુ બાકી બીલ ભરવામાં આવે પછી જ વિજ જોડાણ પુનઃ શરૂ કરવાની વાત કરેલ. નગરપાલિકાએ ચેક આપવાની તૈયારી દર્શાવેલ પરંતુ વિજ કંપનીએ ચેક જમા થાય પછી જ લાઈટ ચાલુ થશે તેવો જવાબ આપતા ધારાસભ્યએ આ અંગે ઉર્જામંત્રી સૌરભ પટેલને રજૂઆત કરી હતી. ધારાસભ્યની રજૂઆતને ગંભીરતાથી લેવાના બદલે મંત્રીએ પણ સંતોષકારક જવાબ આપેલ નહિ તેથી બળતામાં ઘી હોમાયાનુ ચર્ચાય રહ્યુ છે. અન્ય અમુક મુદ્દાઓ પણ રાજીનામા પાછળ કારણભૂત હોવાનું જાણ વા મળે છે.

કેતન ઈનામદારે વિધાનસભાના અધ્યક્ષને લખેલા પત્રમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ લોકોની માંગણીઓ - રજૂઆતો સંદર્ભે ધ્યાન આપતા નથી. પ્રજાના પ્રતિનિધિની અવગણના કરવામાં આવે છે. પ્રજાના સેવક તરીકે અમુક બાબતમાં સરકારને વારંવાર રજૂઆત કરવા છતા મંત્રીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્યોની અવગણના કરે છે. મારા સાથી ધારાસભ્યોની લાગણીઓને બહાર લાવવા તથા મારી અવગણના એ મારા મતક્ષેત્રના પ્રજાના હિતની અવગણના છે.

ભાજપ સંગઠન અને સરકારને ઝાટકો લાગતા ધારાસભ્ય સાથે વાતચીતનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ખુદ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મામલો હાથમાં લેવો પડયો છે. અવગણનાનો ધારાસભ્યનો ખુલ્લો આક્ષેપ છતા પ્રદેશ ભાજપના મોભીઓએ ધારાસભ્યના જાહેરમાં વખાણ કરી મનાવવાના પ્રયત્નો કરવા પડયા છે તે બાબત ઘણુ કહી જાય છે. આજે બપોરે ગાંધીનગરમાં ધારાસભ્ય અને સંગઠનના આગેવાનો વચ્ચે બેઠકનું આયોજન થવાનુ હતુ પણ આ લખાય છે ત્યાં સુધીમાં થઈ શકયુ નથી. ધારાસભ્યએ હાલ ગાંધીનગર જવાની તૈયારી દર્શાવી નથી. સમાધાન થઈ ગયા બાદ મંત્રીઓ, પક્ષના હોદેદારો સહિત સૌ ડાહી-ડાહી વાતો કરે તો નવાઈ નહિ.

કેતન ઈનામદારની જેમ અન્ય અમુક ધારાસભ્યો પણ બહાર આવે તેવી શકયતા નકારાતી નથી. કોંગ્રેસને તો આ પ્રકરણથી ઢળવા માટે ઢાળ મળી ગયો છે. ધારાસભ્યનું રાજીનામુ સ્વીકારાય કે ન સ્વીકારાય પરંતુ આંતરીક અસંતોષ સપાટી પર આવી ગયો છે. રાજ્યમાં સરકાર અને સંગઠનમાં બધુ ઠીક નહી હોવાની વાત ચોક્કસ લોકોએ દિલ્હી સુધી પહોંચાડેલ તેને આ પ્રકરણથી બળ મળ્યુ છે.

અધ્યક્ષને મોકલેલ મેઈલ રાજીનામુ ન ગણાય

૨૦૨૨ સુધી સરકારમાં હોદો નહિ સંભાળું: ઈનામદાર : રાજીનામુ આપવુ જ હોય તો રૂબરૂ જવુ જરૂરી

રાજકોટઃ. ધારાસભ્ય કેતન ઈનામદારે અધ્યક્ષને ઈ-મેઈલથી રાજીનામા પત્ર મોકલ્યાનું જાહેર કર્યુ છે. કાયદાના જાણકારો એવુ કહે છે કે, આવો પત્ર રાજીનામુ ન ગણાય. ધારાસભ્યએ ખરેખર રાજીનામુ આપવુ જ હોય તો અધ્યક્ષ પાસે રૂબરૂ જવુ પડે.

કેતન ઈનામદારે પોતે હાલ સામાજિક કારણસર સાવલી છોડી ગાંધીનગર નહિ જઈ શકે તેમ જણાવ્યુ છે. પોતે કોઈ નાટક નથી કરી રહ્યા તેમ જણાવી તેમણે ઉમેરેલ કે જરૂર પડશે તો હું રાજીનામુ આપવા રૂબરૂ જઈશ. ૨૦૨૨ સુધી સરકારમાં હું કોઈ પદ સંભાળીશ નહિ.

(3:58 pm IST)