Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ખેડબ્રહ્મામાં લૂંટના ઇરાદે આંગડિયા પેઢીના કર્મચારીની ગોળી મારીને હત્યા અંગે ફોરેન્સિક સાયન્સ ટીમની તપાસ

મૃતદેહને અમદાવાદ ખસેડી ત્યાં પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ

ખેડબ્રહ્મા :શહેરમાં લૂંટના ઈરાદે આંગડીયા કર્મચારી ઉપર બંદૂકની ગોળીથી ફાયરીંગ કર્યાની ચકચારી ઘટના સામે આવી હતી. લૂંટારૂઓ પૈસા ભરેલી બેગ ઝુંટવી લેવા ફાયરીંગ કરતા કર્મચારીનું મોત થયું હતુ. જોકે પોલીસ દ્રારા મૃતદેહનુ પોસ્ટમોર્ટમ અમદાવાદ ખાતે કરાવવાની ગતિવિધિ શરૂ કરાઇ છે. સમગ્ર ઘટનાની તપાસમાં ફોરેન્સિક સાયન્સની ટીમ પણ જોડાઇ હોવાનું સામે આવ્યુ છે.

  સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં લૂંટનો ઈરાદો અને હત્યાની ઘટના સામે આવી હતી. સરદારચોકથી પેટ્રોલપંપ જતા માર્ગ પર આવેલી એન માધવલાલ એન્ડ કંપની નામની આંગડીયા પેઢીના કર્મચારી નાયક કિરણ હરગોવિંદ ઉપર ફાયરીંગ થયું હોવાનું સામે આવ્યું હતુ. 

  ગઇકાલે બપોરે અચાનક ફોર વ્હીલર ગાડીમાં આવી લૂંટારૂઓ પૂર્વ આયોજીત લૂંટના ઈરાદે આંગડીયાના કર્મચારી પાસેથી પૈસા ભરેલી બેગ ઝુંટવી લેવા જીવલેણ ચપ્પાના ઘા માર્યા હતા. તેમ છતાં હિંમતવાન કર્મચારીએ પોતાની પાસે રહેલ લાખો રૂપિયા ભરેલો થેલો પકડી રાખ્યો હતો. જેથી લૂંટારૂઓએ ગોળી મારી ફરારા થઇ ગયા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખેડબ્રહ્મામાં આંગડિયા કર્મચારી પર ગોળી મારવાની ઘટનાને લઇ દિવસભર અફવાઓનુ઼ બજાર ગરમ રહ્યુ હતુ. આજે મળેલી પાલિકાની કારોબારી મીટીંગમાં સત્તા પક્ષે તાત્કાલિક જાહેર સ્થળોએ કેમેરા લગાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો.પોલીસે આંગડિયા કર્મીના મૃતદેહને અમદાવાદ ખસેડી ત્યાં પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે.

(12:43 am IST)