Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

બબાલ : મહિલાએ જાહેરમાં કપડા ઉતારીને કરેલો તમાશો

વેજલપુરમાં મકાનમાલિક-ભાડુઆત વચ્ચે તકરાર : મકાન માલિક પક્ષના પરિવારની આધેડ મહિલાએ કપડા ઉતારતાં ચકચાર : ભારે જહેમત બાદ મામલો થાળે પડ્યો

અમદાવાદ,તા. ૨૩ : અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં ભાડુઆતને મકાન ખાલી કરાવવા પહોંચેલા મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે જોરદાર તકરાર સર્જાતાં એક તબક્કે મકાનમાલિક પક્ષના પરિવારની સભ્ય એવી આધેડ મહિલાએ જાહેરમાં કપડા ઉતારી જબરદસ્ત હોબાળો મચાવ્યો હતો અને ભાડુઆતને મકાન ખાલી કરવા બૂમરાણ મચાવી હતી. આધેડ મહિલા પોતાના કપડા જાહેરમાં જ ઉતારી રસ્તા પર સૂઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટનાસ્થળે ઉપસ્થિત પોલીસને પણ મહિલાને કપડા પહેરાવવામાં અને સમગ્ર મામલો થાળે પાડવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. મહિલાના આજના નગ્ન તમાશા અને હોબાળાને પગલે આસપાસના લોકો અને સ્થાનિક રહીશો પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હતા. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા અને રોષે ભરાયેલી મહિલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદનગરમાં છેલ્લા ઘણા સમયથી એક ભાડુઆત અને મકાનમાલિક વચ્ચે કરાર પૂર્ણ થઇ ગયો હોવાછતાં ભાડુઆત મકાન ખાલી કરતો ન હતો. જે માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં આજે સવારે મકાન માલિક ભાડુઆતને મળવા ગયા હતાં. જ્યાં બંન્ને લોકો વચ્ચે બોલાચાલી અને મારામારી પણ થઇ હતી. જે પછી વાત વણસતાં એક તબક્કે આવેશમાં આવી જઇ મકાનમાલિક  પક્ષની આધેડ મહિલા નગ્ન અવસ્થામાં રોડ પર બેસી ગઇ હતી. જેના કારણે આખા વિસ્તારનાં લોકો ત્યાં ભેગા થઇ ગયા હતાં. આ મહિલાનો વીડિયો પણ ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ મામલામાં ફરિયાદ નોંધાઇ છે કે વેજલપુરનાં શ્રીનંદનગરમાં ભાડે આપેલું મકાન ખાલી કરાવવા ગયેલા લોકોને માર મારવામાં આવ્યો અને એક મોટી ઊંમરની મહિલાનાં કપડા ફાડી નાંખવામાં આવ્યાં. જે પછી મહિલા પોતાનાં કપડા ઉતારીને જાહેરમાં રોડ પર કેટલાય સમય સુધી આળોટતી રહી. લોકોએ તેમને કપડા પહેરાવવાનો પ્રયાસ કર્યો તો પણ તેણે પહેર્યાં નહીં. આ આખી ઘટનામાં પોલીસની પણ હાજરી ત્યાં હતી. તેમછતાં મહિલાએ પોતાના કપડા જાહેરમાં ઉતારી નાંખી જોરદાર હોબાળો મચાવ્યો હતો. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસ, મકાનમાલિક સહિત સ્થાનિક રહીશો અને આસપાસના લોકો સૌકોઇ શરમજનક સ્થિતિમાં મૂકાયા હતા. પોલીસને સમગ્ર મામલો થાળે પાડવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પોલીસે બંને પક્ષે સમજાવટથી મહામહેનતે સમગ્ર હોબાળો શાંત કર્યો હતો.

(7:54 pm IST)