Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

અમદાવાદમાં એનએબીએચ દ્વારા પ્રયોગશાળાના માટે કોન્કલેવ

કલેકશન સેન્ટર, મેડિકલ ડિવાઇસ પરીક્ષણ એક્રેડિટેડઃ પ્રજાને લેબોરેટરી ટેસ્ટીંગ અને પરીક્ષણ અહેવાલો પ્રાપ્ય બને તે માટે વિશેષ કવાયત હાથ ધરવામાં આવી : રિપોર્ટ

અમદાવાદ,તા. ૨૩, ગુજરાત સહિત દેશભરના નાગરિકો અને પ્રજાજનોને અધિકૃતતાયુકત અને વિશ્વસનીય લેબોરેટરી ટેસ્ટીંગ અને પરીક્ષણ અહેવાલો જ પ્રાપ્ય બને તે હેતુથી નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટીંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ(એનએબીએચ-કોન્સ્ટીટયુઅન્ટ બોર્ડ ઓફ કવોલિટી કાઉન્સીલ ઓફ ઇન્ડિયા) દ્વારા શહેરમાં આજથી બે દિવસ માટે લેબોરેટરીઝ(પ્રયોગશાળાઓ) માટે સાતમી રાષ્ટ્રીય કોન્કલેવનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલેકશન સેન્ટર અને મેડિકલ ડિવાઇસ પરીક્ષણને એક્રેડિટેડ બનાવવાની બે અનોખી સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે એનએબીએચના જનરલ સેક્રેટરી ડો.આર.પી.સિંઘ, સીઇઓ અનિલ રેલીયા, ડિરેકટર વંદના જૈન, વૈંકટપ્રસાદ અને સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકર હાજર રહ્યા હતા. રાજયના આરોગ્ય કમિશનર ડો.જયંતિ એસ.રવિના હસ્તે આ કોન્કલેવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એનએબીએચના પદાધિકારીઓએ નિખાલસપણે એ વાત પણ સ્વીકારી હતી કે, આજે પણ ગુજરાત સહિત દેશભરમાં એક્રેડિટેડ ના હોય તેવી લેબોરેટરી અને કલેકશન સેન્ટર દ્વારા ટેસ્ટીંગ અને પરીક્ષણ અહેવાલો અપાઇ રહ્યા છે. જો કે, જનતાએ હવે એક્રેડિટેડ હોય તેવી અધિકૃત લેબોરેટરી પાસેથી જ ટેસ્ટીંગ-પરીક્ષણનો આગ્રહ રાખવો જોઇએ. દરમ્યાન એનએબીએચના જનરલ સેક્રેટરી ડો.આર.પી.સિંઘ અને સીઇઓ અનિલ રેલીયાએ જણાવ્યું હતું કે, એનએબીએચ દ્વારા ગુજરાતની ૪૫૦થી વધુ લેબોરેટરી એક્રેડિટેડ કરવામાં આવી છે, જે દેશના કુલ માર્કેટ શેરના ૧૦ ટકા છે. લેબોરેટરી જગતના ક્ષેત્રમાં ગુજરાતની બહુ મહત્વની હિસ્સેદારી અને ભૂમિકા છે, તેથી આ વખતે અહીં કોન્કલેવ યોજવાનું આયોજન કરાયું છે, જેનો હેતુ દેશવાસીઓને વૈશ્વિક સ્તરનું લેબ ટેસ્ટીંગ અને પરીક્ષણની સેવા ઉપલબ્ધ બનાવવાનો છે. આ માટે આજે કલેકશન સેન્ટરને પણ એક્રેડિટેડ કરવાની અને લેબોરેટરીમાં ઉપયોગમાં લેવાતી મેડિકલ ડિવાઇસીસને પણ એક્રેડિટેડ કરવાની બે અલગ-અલગ અનોખી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. જેના કારણે ગુજરાત સહિત દેશભરની જનતાને તેનો સીધો લાભ મળશે. તેમણે ઉમેર્યું હતું કે, દેશભરની લેબોરેટરીને એક્રેડિટેડ કરવાની દિશામાં અમે તેજીથી આગળ વધી રહ્યા છે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તમામ લેબોરેટરી હવે એક્રેડિડેટ કરવામાં આવશે. અધિકૃતતા વિના દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતાં અને આડેધડ ટેસ્ટીંગ કે અહેવાલો આપતી લેબોરેટરી વિરૃધ્ધ એનએબીએચ દ્વારા સસ્પેન્શન સહિતની આકરી કાર્યવાહી પણ કરાઇ છે. કોન્કલેવમાં પાણી ચકાસણી, કેબલ્સ પરીક્ષણ, રમકડા પરીક્ષણ સહિતના વિષયોને પણ આવરી લેવાયા છે. આ પ્રસંગેતબીબી પરીક્ષણની લેબોરેટરીઝની સુવિધા, તબીબી ઉપકરણોનું માપાંકન સહિતની કામગીરી હવે પેપરલેસ કરવાની દિશામાં પણ એનએબીએચ આગળ વધી રહી છે, તેના ભાગરૃપે તેનું એક વેબ પોર્ટલ પણ ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. ગુજરાત સહિત દેશભરમાંથી ૭૫૦થી વધુ લેબોરેટરીઝના પ્રતિનિધિઓ આ રાષ્ટ્રીય કોન્કલેવમાં ભાગ લેવા આવ્યા છે.

(10:22 pm IST)