Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

૨૪ વર્ષ સુધી દિવ્યાંગ શિષ્યની અવિરત સેવાનો અનોખો રેકોર્ડ

ગુરૃ-શિષ્ય પરંપરાને નીલેશભાઈએ ચરિતાર્થ કરીઃ દિવ્યાંગ ધ્રુવ ત્રણ વર્ષનો હતો ત્યારથી તેને તાલીમ આપી આજે ૨૮ વર્ષની વયે પહોંચેલ ધ્રુવ કોમ્પ્યુટર ચલાવે છે

અમદાવાદ,તા.૨૩, ગુરૃ શિષ્યની પરંપરા અને શિષ્ય માટે ગુરૃની તપશ્ચર્યા અને તેને પોતાનાથી પણ ઉંચે સ્થાપિત કરવાની ગુરૃ પરંપરા શાસ્ત્રોકત કાળથી ચાલી આવે છે, ઋષિ સાંદીપની અને ભગવાન શ્રીકૃષ્ણ ગુરૃ-શિષ્ય પરંપરાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પરંતુ આજના કળિયુગમાં પણ શહેરના મેમનગર વિસ્તારમાં નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઇ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જ્ડ(માનસિક વિકલાંગ-દિવ્યાંગ બાળકોની સ્કૂલ)ના સંચાલક એવા નીલેશભાઇ પંચાલે તેમના માનસિક વિકલાંગ એવા શિષ્ય ધ્રુવ પટેલની છેલ્લા ૨૪ વર્ષથી અવિરત સેવા અને તાલીમ આપી ધીરજ, સમર્પિતતા અને ગુરૃ પરંપરાનું એક અનોખુ ઉદાહરણ પૂરૃ પાડયું છે. આટલા લાંબા સમય સુધી સતત અને અવિરતપણે પોતાના શિષ્યને સેવા અને તાલીમ આપવા બદલ નીલેશભાઇ પંચાલને ઇન્ડિયાઝ બુક ઓફ રેકોર્ડઝ, એશિયા પેસીફિક રેકોર્ડ અને નેશનલ બુક ઓફ રેકોર્ડમાં ગૌરવપૂર્ણ સ્થાન મળ્યું હતુ. સંચાલક નીલેશભાઇ પંચાલના આ અનોખા રેકોર્ડ સાથે જ તેમની આ દિવ્યાંગ બાળકોની સ્કૂલ દ્વારા અત્યારસુધીમાં છ વર્લ્ડ રેકોર્ડ કરવાની અનોખી સિધ્ધિ હાંસલ કરાઇ છે.  પોતાના શિષ્યની આટલા વર્ષો સુધી કોઇ સ્વાર્થ વિના સેવા કરવા બદલ આજે કુદરતે તેમની સામે જોયું અને તેમને ત્રણ-ત્રણ રેકોર્ડબુકમાં સ્થાન મળ્યું. પોતાના અનોખા રેકોર્ડ અંગે ખુશી વ્યકત કરતાં નીલેશભાઇ પંચાલે જણાવ્યું હતું કે, ધ્રુવ જેવા દિવ્યાંગ બાળકોની સેવા કરવી એ જ જીવનનું લક્ષ્ય છે. ધ્રુવ પટેલ ડાઉનસીન્ડ્રોમથી પીડિત માનસિક વિકલાંગ છે. એ ત્રણ વર્ષનો હતો, ત્યારથી હું તેને તાલીમ આપી રહ્યો છું. એ વખતે એ કંઇ બોલતો પણ ન હતો અને બહુ જ હાયપર હતો એટલે કે, એક જગ્યાએ ટકીને બેસતો નહી. થોડો મોટો થતો ગયો એમ એ કયારેક દોડીને ધાબા પર જતો રહે, ત્યાંથી કૂદકો મારવાનો પ્રયાસ કરે, પગ લટકાવીને બેસી જાય જેવી ઘણી હરકતો કરતો હતો.મારા માટે ધ્રુવને તાલીમ આપવાનું પડકારજનક હતુ પરંતુ મેં આ કાર્ય હિમંત હાર્યા વિના અવિરતપણે ચાલુ રાખ્યું. આજે ધ્રુવ ૨૮ વર્ષનો યુવક બની ચૂકયો છે અને તે શાળામાં અન્ય બાળકોને કોમ્પ્યુટર શીખવાડી રહ્યો છે. પોતે કોમ્પ્યુટરની સાથે સાથે તેના જેવા બીજા દિવ્યાંગ બાળકોને કલર પૂરવા સહિત તેમને રોજિંદી ક્રિયાઓ જાતે કરવામાં મદદ પૂરી પાડી રહ્યો છે. તમને જાણીને નવાઇ લાગશે પણ દિવાળીમાં શાળાના દિવ્યાંગ બાળકો દ્વારા જે દિવડાઓ બનાવાય છે, તેમાં ધ્રુવની માસ્ટરી છે, તે એક જ દિવસમાં બે હજાર જેટલા દિવાઓ બનાવી કાઢે છે. એટલું જ નહી, અમારી શાળાના બાળકો દ્વારા હનુમાનચાલીસાના ૨૫ શો યોજવાનો જે વર્લ્ડ રેકોર્ડ કરાયો છે, તે તમામમાં ધ્રુવ પટેલ જ હનુમાનનું પાત્ર બાખૂબીથી ભજવી જાય છે.

ધ્રુવની મહેનત અને લગન જોઇને શાળા દ્વારા તેને આગામી દિવસોમાં બેંગ્લોર ખાતે મલ્ટીમીડિયા અને ડેટા એન્ટ્રીના પ્રોજેકટ માટે વિશેષ તાલીમ માટે મોકલવાની વિચારણા ચાલી રહી છે. દિવ્યાંગ બાળકોના શિક્ષક નીલેશભાઇ પંચાલે વધુમાં ઉમેર્યું હતું કે, અમારી શાળા દ્વારા અત્યારસુધીમાં મુંબઇ ટ્રીપ, મનાલી ટ્રેકીંગ કેમ્પ, ઝુમ્બા ડાન્સ, હાઇટેજ ક્રંચ(વિશ્વની સૌથી ઉંચી કાખઘોડી), હનુમાનચાલીસાના ૨૫ શો એમ કુલ પાંચ વર્લ્ડરેકોર્ડ કર્યા છે અને ધ્રુવની સેવા કરવા બદલ મને ત્રણ રેકોર્ડબુકમાં સ્થાન મળ્યુ તે છઠ્ઠો અનોખો રેકોર્ડ છે. અમારા બધા માટે આ બહુ ગૌરવની વાત છે. ધ્રુવ પટેલે ખેલ મહાકુંભમાં પણ ૬૦ કિલો સુધી વેઇટ લિફ્ટીંગ કરી પાવર લીફ્ટીંગ સ્પર્ધામાં સૌકોઇને પ્રભાવિત કર્યા છે, આમ તેનામાં ઘણી પ્રતિભા છે અને તે ભવિષ્યમાં સંસ્થાનું નામ રોશન કરશે.

(10:21 pm IST)