Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

દાહોદ LICના ૩ ડેવલપમેન્ટ ઓફીસરના કરૂણ મોત

રાજકોટ સહિત ગુજરાતભરની LIC બ્રાંચમાં ઘેરા શોકનું મોજું: નડીયાદ આવતા'તાઃ સવારે ૯ાા વાગ્યે ગોઝારી ઘટના : વિમલ પરમાર અતિ ગંભીરઃ સ્વીફટ ગાડી ડમ્પર સાથે અથડાઇઃ રાજેશ સેવક-ઝાકીર સૈયદ-સુરેશ બાંભણીયા કાળનો કોળીયોઃ અધીકારીએ દોડી ગયા... : નડીયાદ ખાતે ૧૮ બ્રાંચની મીટીંગમાં ભાગ લેવા આવતા'તાઃ નડીયાદથી ૧૦ કિ.મી. દૂર દાહોદ-ડાકોર રોડ ઉપર ભયાનક ઘટનાઃ રાજકોટ LIC દ્વારા ઘેરા શોકની લાગણીઃ આગેવાનો દોડી ગયા...

એલઆઇસી દાહોદના ત્રણ ડેવલપમેન્ટ ઓફીસરોના આજે સવારે નડીયાદથી ૧૦ કિ.મી. દૂર દાહોદ-ડાકોર રોડ ઉપર એક ભયાનક અકસ્માતમાં કરૂણ મોત નીપજયા ત્યારની તસ્વીરઃ તસ્વીરમાં ત્રણેય ડેવલપમેન્ટ ઓફીસીરના મૃતદેહો-કાળમુખુ ડમ્પર તથા વ્હાઇટ કલરની સ્વીફટ કારનો ભૂકકો બોલી ગયો તે જણાય છે.

રાજકોટ તા. ર૩: દાહોદ એલઆઇસી એટલે કે જીવન વિમા નિગમના ત્રણ હોનહાર ડેવલપમેન્ટ ઓફીસરના આજે ગોઝારા કાળમુખા અકસ્માતમાં કરૂણ મોત નીપજતા હાહાકાર મચી ગયો છે, રાજકોટ સહિત ગુજરાતભરની એલઆઇસી શાખાઓ-કચેરીઓમાં ઘેરા શોકની લાગણી છવાઇ છે, રાજકોટથી યુનિયન અગ્રણીઓ દોડી ગયાનું જાણવા મળે છે.

આ ગંભીર ઘટના અંગે મળતી વિગતો મુજબ નડીયાદ એલઆઇસી દ્વારા આજે પોતાના ડિવીઝનની ૧૮ બ્રાંચના ડેવલપમેન્ટ ઓફીસરોની મીટીંગ બોલાઇ હતી, પરીણામે તેમાં ભાગ લેવા દાહોદથી હોનહાર ૪ ડેવલપમેન્ટ ઓફીસરો રાજેશ સેવક (ઉ.વ. ૩૭), ઝાહીર સૈયદ (ઉ.વ.૩૮), સુરેશભાઇ બાંમણીયા (ઉ.વ. પ૦), તથા વિમલભાઇ પરમાર (ઉ.વ. ૩પ) સ્વીફટ ગાડી લઇને નીકળ્યા હતા.

આ ચારેય અધીકારીઓ ગાડીમાં સવારે ૯ાા વાગ્યે દાહોદ-ડાકોર રોડ ઉપર નડીયાદથી ૧૦ કિ.મી. દૂર હતા ત્યાં સામેથી આવતા ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા હાઇવે રકતરંજિત બની ગયો હતો.

આ ભયાનક અકસ્માતમાં રાજેશ સેવક, ઝાહીર સૈયદ, સુરેશ બાંભણીયાના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયા હતા, જયારે અન્ય ચોથા એક ડેવલપમેન્ટ ઓફીસર શ્રી વિમલભાઇ પરમારની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું અને સારવાર ચાલી રહ્યાનું નડીયાદ એલઆઇસીના યુનિયન અગ્રણી શ્રી મહેશભાઇ દવેએ 'અકિલા''ને આજે બપોરે ટેલીફોનિક વાતચીતમાં જણાવાયું હતું.

તેમણે ઉમેર્યું હતું કે તમામ યુવા વયના હોનહાર ડેવલપમેન્ટ ઓફીસર છે, વિમલભાઇની સ્થિતિ ગંભીર છે, મૃતકના પરીવારજનો ઉપર આભ તુટી પડયું છે, મરનાર ત્રણેય એકદમ હસમુખા -સાલસ સ્વભાવના હતી, અને નડીયાદ આવવાને માત્ર ૧૦ મીનીટની વાર હતી ત્યાં આ ભયાનક ઘટના બની હતી, હાલ પીએમ ચાલી રહ્યું હોય, વધુ વિગતો અકસ્માત અંગે હવે જાણી શકાશે, મીટીંગ રદ્દ કરી નખાઇ છે, રાજકોટ-સૌરાષ્ટ્ર તથા નડીયાદ-દાહોદથી એલઆઇસીના અધીકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે.

(3:47 pm IST)