Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

એશીયાની સૌથી મોટી માર્કેટ ડુંભાલમાં નિર્માણ શરૂ કરનાર

સુરતમાં હેપી હોમ ગ્રુપ ઉપર IT દરોડા

૨૦ સ્થળોએ ૧૧૦ આવકવેરાના અધિકારીઓ : દ્વારા સર્ચ ઓપરેશનઃ આવકવેરા અધિકારીનું ભેદી મૌન

સુરત તા. ૨૩ : સુરતમાં એશીયાની સૌથી મોટી માર્કેટ બનાવવાનું કામ શરૂ કરનાર હેપી હોમ બિલ્ડર ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે ૨૦ સ્થળોએ દરોડા પાડતા બિલ્ડર જુથ અને ઇન્વેસ્ટરોમાં ફફડાટ ફેલાયો છે.

સવારે સુરત આવકવેરા વિભાગની ડિડીઆઈ વિંગ દ્વારા શહેરના જાણીતા બિલ્ડર ગૃપ હેપ્પી હોમના ભાગીદારોને સંકજામાં લઈને વહેલી સવારથી જ મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે. હેપ્પી હોમ ગૃપ દ્વારા જ હાલમાં શહેરના ડુંભાલ વિસ્તારમાં એશિયાની સૌથી મોટી માર્કેટનુ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે તેને લઈને આ સર્ચ ઓપરેશન શરૂ થયુ  હોવાનુ હાલમાં ચર્ચાઈ રહ્યુ છે. કુલ ૨૦ સ્થળો પર વહેલી સવારથી સર્ચ ઓપરેશન શરૂ થયુ છે. જો કે આ અંગે હાલમાં આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા કઈ જણાવવામાં આવ્યુ નથી.

ગત સપ્તાહે રાજયના ચીફ કમિશ્નર ઓફ ઈન્કમટેક્ષ સુરતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે ટેક્ષ ની ભરપાઈ ન કરનારા સામે કડક કાર્યવાહી કરવા માટની ચિમકી ઉચ્ચારી હતી. તેમણે અધિકારીઓ સાથેની બેઠકમાં ટેક્ષ કલેકશન કરવા માટેની સુચના આપી હતી. દરમિયાન ડિડીઆઈ વીંગને તેમની કામગીરી વધુ તેજ કરવા માટેની પણ સુચના આપી હતી. જો કે સુરત ડિડીઆઈ વિંગના અધિકારીની જગ્યા લાંબા સમયથી ખાલી હોવાના કારણે સર્ચ ઓપરેશનો ન થયા હોવાનુ તેમણે જણાવતાની સાથે જ હવે આગામી દિવસમાં શહેરમાં મોટા પાયે સર્ચ ઓપરેશનો થશે.

આજે વહેલી સવારે વિભાગ દ્વારા શહેરના જાણીતા બિલ્ડર ગૃપ હેપ્પી હોમના ભાગીદારોને ત્યાં મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે. આ ગૃપ દ્વારા શહેરમાં અબજો રૂપિયાના મોટા પ્રોજેકટો નુ નિર્માણ કરવામાં આવ્યુ છે. જો કે હેપ્પી હોમ ગૃપની અત્યાર સુધીની છબી સારી છે. જેને લઈને તેમના તમામ પ્રોજેકટોમાં તુરંત બુંકીગ થઈ જાય છે. હાલમાં જ આ ગૃપ દ્વારા શહેરના ડુંભાલ વિસ્તારમાં એશિયાન સૌથી મોટી માર્કેટ હેપ્પી બેન્ચમાર્ક ટેક્ષ હબનુ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે. જેને લઈને આજનુ મેગા સર્ચ ઓપરેશન શરૂ થયુ હોવાનુ બિલ્ડર લોબીમાં ચર્ચાઈ રહ્યુ છે.

વિભાગ દ્વારા આજે સવારથી હેપ્પી હોમ ગૃપના પાંચ ભાગીદારોના રહેણાંક ની સાથે તેઓની જુદા જુદા વિસ્તારમાં ચાલતા પ્રોજેકટ પર દરોડા પાડી કુલ ૨૦ સ્થળો પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે. આવકવેરા વિભાગના અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. તેઓએ એવુું જણાવ્યુ હતુ તે હાલમાં સર્ચ ઓપરેશન શરૂ થયુ છે હજુ કેટલાક સ્થળો પર અમારી ટીમ જાય છે જે પહોંચી ગયા બાદ વધુ જાણકારી આપવામાં આવશે. હેપ્પી હોમ ગૃપના મુખ્ય મુકેશને ત્યાં પણ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે.  તેમના એક ભાગીદાર દ્વારા આ ગૃપમાં સર્ચ ઓપરેશન વહેલી સવારથી શરૂ થયુ હોવા અંગેનુ જણાવ્યુ હતુ.

(3:45 pm IST)