Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

આણંદ-બાકરોલ રોડ પર સ્પોર્ટ્સ બાઇકે મોપેડને હડફેટે લેતા યુવતીનું ઘટનાસ્થળેજ કરૂણ મોત: અન્ય બે ઈજાગ્રસ્ત

બાકરોલ:બાકરોલ-આણંદ રોડ ઉપર આવેલી વ્રજવંદન સોસાયટીના વણાંક પાસે સાંજના સુમારે પુરપાટ ઝડપે જતા એક સ્પોટ બાઈકે એવીયેટરને ટક્કર મારતાં યુવતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ જ્યારે બેને ઈજાઓ થતાં તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અકસ્માત સર્જનાર બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ થવા પામી હતી જેને આવી ચઢેલી કારનો ચાલક લઈને જતો રહ્યો હતો જેને લઈને ભારે ઉશ્કેરાટ વ્યાપી જવા પામ્યો હતો.
અકસ્માતની મળતી વિગતો અનુસાર બાકરોલ રોડ ઉપર આવેલી વ્રજવંદન સોસાયટીમાં રહેતા અને વિમા એજન્ટ તરીકે કામ કરતાં રૂપેશભાઈ મહેન્દ્રભાઈ તલાટીની પુત્રી મૈત્રી (ઉ. વ. ૧૬)પોતાના ૧૨ વર્ષીય ભાઈ દેવ સાથે એવીયેટર ઉપર ટ્યુશનેથી ઘર તરફ આવી રહી હતી. સાડા સાતેક વાગ્યાના સુમારે સોસાયટી નજીક વળી રહી હતી ત્યારે બાકરોલ તરફથી એક લાલ કલરનું સ્પોટ બાઈક પુરપાટ ઝડપે આવી ચઢ્યું હતુ અને એવીયેટરને ટક્કર મારતાં મૈત્રીને માથામાં ગંભીર ઈજાઓ થવા પામી હતી અને મગજ જ બહાર નીકળી ગયું હતુ જેને કારણે તેણીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ જ્યારે દેવને ઈજાઓ થવા પામી હતી. ટક્કર માર્યા બાદ બાઈક સો ફુટ દુર ઘસડાયું હતુ અને ચાલક તથા તેની પાછળ બેઠેલ યુવતીને પણ ઈજાઓ થવા પામી હતી.
અકસ્માત થતાં જ સોસાયટીના લોકો તેમજ રાહદારીઓ એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ મોબાઈલ વાનમાં ઘવાયેલાઓને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. બીજી તરફ ચાલકને સામાન્ય ઈજાઓ થતાં તેને લોકોએ ડીવાઈડર પર બેસાડી દીધો હતો. દરમ્યાન પોલીસ આવી જવા પામી હતી અને ટોળુ પણ વધારે જમા થઈ જતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ઘવાયેલા બાઈક ચાલક કેવીન રીકીનભાઈ પટેલ (ઉ. વ. ૨૩, આણંદ યોગી પેટ્રોલપંપની સામે)ને શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યારે દેવ રૂપેશભાઈ તલાટીને જમણા થાપે ફેક્ચર થતાં તેને એક ખાનગી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો.

(6:52 pm IST)